ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
Oplus_131072
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા શ્રી ગુરુ સિંઘ સભા ગુરુદ્વારા ખાતે શીખ સંપ્રદાયના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીની ૫૫૬મી જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે માત્ર શીખ સમુદાય જ નહીં, પરંતુ અન્ય સમાજના શ્રદ્ધાળુઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ગુરુપ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
ઉજવણીની તૈયારીઓ છેલ્લા ૪૦ દિવસથી ચાલી રહી હતી, જેમાં અમૃતવેલા પાઠ, પ્રભાત ફેરી અને ભજન–કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગુરુ નાનક દેવજીના જન્મદિવસ નિમિત્તે ગુરુદ્વારા ખાતે ૪૮ કલાકનો અખંડ પાઠ યોજાયો હતો, જેની પૂર્ણાહુતિ આજે શાનદાર કીર્તન સાથે થઈ.
આ પ્રસંગે ગુરુદ્વાર ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ જાતભેદ કે ભેદભાવ વગર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એકસાથે બેસીને મહાપ્રસાદનો લાભ લીધો હતો. લંગરનું ભોજન સમાજના જ ભાઈ–બહેનો દ્વારા સેવા ભાવથી તૈયાર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શીખ સમુદાયના અગ્રણીઓ રણવીરસિંહ સરદાર, ગુરુદ્વારના ગ્રંથિ બાબાજી, પ્રધાન સુરેન્દ્રસિંહ તથા હરજીતસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ ઇ.સ. ૧૪૬૯માં આજના પાકિસ્તાનના તલવંડી ગામમાં થયો હતો. તેમનો જન્મોત્સવ ‘પ્રકાશ પર્વ’ તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ નાનક દેવજીનો મુખ્ય ઉપદેશ હતો — “નામ જપો, કિરત કરો, વંડ છકો”, એટલે કે ઈશ્વરનું સ્મરણ કરો, મહેનત કરો અને અન્ય સાથે વહેંચીને ખાઓ.
ગોધરાના ગુરુદ્વારામાં યોજાયેલી આ ઉજવણી દ્વારા સમાજમાં સમાનતા, સેવા ભાવ અને એકતાનો સંદેશ પુનઃ પ્રતિષ્ઠિત થયો હતો.
