Western Times News

Gujarati News

AMC સ્કૂલ બોર્ડ સંચાલિત 453 જેટલી સ્કૂલોમાંથી 91 શાળાઓ બંધ

પ્રતિકાત્મક

બાળકોના ભવિષ્ય સાથે ચેડાં, તાત્કાલિક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ-શિક્ષણના અધિકાર કાયદાનું ઉલ્લંઘન કરતા આ ઘટનાએ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ હેઠળની આશરે ૯૧ શાળાઓ હાલ બંધ છે કે કાર્યરત નથી, તેવી માહિતી બહાર આવતા ચકચાર મચી ગઈ છે. શિક્ષણના અધિકાર કાયદાનું ઉલ્લંઘન કરતા આ ઘટનાએ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

મ્યુનિસિપલ શાળાઓ બંધ થવાથી ખાસ કરીને સ્લમ વિસ્તારો અને પછાત સમાજના હજારો બાળકો નજીકની સરકારી શાળા ન મળવાને કારણે શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. આ ઈમારતો જાહેર સંપત્તિ હોવાને છતાં લાંબા સમયથી બંધ હોવાથી જર્જરિત થઈ રહી છે,

જેના કારણે કરોડો રૂપિયાના સરકારી રોકાણનો વ્યય થઈ રહ્યો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા નવી શાળાઓ શરૂ કરવાની વાતો વચ્ચે આટલી સંખ્યામાં શાળાઓ બંધ રહેવી એ વહીવટની નિષ્ફળતા બતાવે છે. હાલ જે શાળાઓ બંધ છે, તેમની ઈમારતોનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓ માટે થઈ રહ્યો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.

કોંગ્રેસ ના યુવા નેતા અને એડવોકેટ અતીક સૈયદ ના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિને ધ્યાને લેતા એએમસી સ્કૂલ બોર્ડ ઘ્‌વારા ૯૧ શાળાઓને ૯૦ દિવસમાં ફરી કાર્યરત બનાવવા સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર કરવામાં આવે, બંધ શાળાઓની ઈમારતોનું યુદ્ધના ધોરણે સમારકામ કરી, બેઠક વ્યવસ્થા, શૌચાલય અને પીવાના પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે,

જરૂરી શિક્ષકોની પૂરતી સંખ્યામાં નિમણૂક કરવામાં આવે જેથી શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે.જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સંસ્થાઓએ ચેતવણી આપી છે કે તેઓ ઉગ્ર આંદોલન શરૂ કરશે.“શિક્ષણ એ અધિકાર છે, કોઈ ભેટ નહીં,” એમ તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું..

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષણધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં ૪૫૩ જેટલી સ્કૂલ આવેલી છે તેના સિવાયની અન્ય ૯૩ જેટલી સ્કૂલો જે વર્ષ ૨૦૦૨ પહેલાની જૂની અને જર્જરીત થઈ ગયેલી હાલતમાં હતી તેને બંધ કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવી દેવામાં આવી છે,

જે અંગેનો સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ થઈ ચૂક્યો છે. જેના કારણે હવે આ તમામ સ્કૂલો આંગણવાડીઓ માટે પાડવામાં આવી છે જેમાં કેટલીક સ્કૂલો અત્યારે હાલ રીપેરીંગ કરાવીને અથવા તો નવી બનાવીને આંગણવાડી માટે આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.