ભવનાથના લાપત્તા મહંત મહાદેવ ભારતી જંગલમાંથી અસ્વસ્થ હાલતમાં મળ્યા
સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પોલીસ નિવેદન લેશેઃ સેવકો દવાખાને ઉમટયા
ગત રવિવારે ભારતી આશ્રમ છોડી જંગલમાં નીકળી ગયેલા મહાદેવ ભારતી બાપુની પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી
જુનાગઢ, જુનાગઢ ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુરૂ હરીહરાનંદ ભારતી બાપુ (ઉ.૪૦) ગત રવિવારે મધરાત બાદ સવારે ૩-૩૦ કલાકે સ્યુસાઈડ નોટ લખી જંગલ તરફ નીકળી લાપત્તા થયા હતા. છેલ્લા બે દિવસની તપાસ બાદ આજે વહેલી સવારથી પોલીસના સર્ચ ઓપરેશનમાં જંગલના ઈટાવા ઘોડી વિસ્તારમાં એક વૃક્ષ નીચેથી અસ્વસ્થ અને અશક્ત હાલતમાં મળી આવતા જિલ્લાભરની પોલીસે હાશકારો અનુભવ્યો છે.
ગત રવિવારે રાત્રે ૩-૩૦ કલાકે ભારતી આશ્રમ છોડી જંગલમાં નીકળી ગયેલા મહાદેવ ભારતી બાપુની પાંચ પાનાની ધગધગતી સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં હિતેષ, કૃણાલ, પરમેશ્વર ભારતી, નિલેષ ડોડીયા, રોનક સોની સહતના માનસિક ત્રાસનો ઉલ્લેખ છે.લાપત્તા લઘુ મહંત મહાદેવ ભારતી બાપુને શોધવા જિલ્લાભરની પોલીસે વિવિધ ટીમો બનાવી જંગલની અનેક ખીણો ખુંદી નાખી હતી તેમને મોબાઈલ ફોન બંધ હોવાથી તેમનું લોકેશન પણ ટ્રેસ થઈ શકતું નહોતું.આખરે આજે સવારથી પોલીસે જંગલ વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરતા જંગલના ઈટાવા ઘોડી વિસ્તારના એક વૃક્ષ નીચે સુતેલી હાલતમાં લઘુમહંત મહાદેવભારતી બાપુ મળી આવ્યા હતા.
તેઓ અશકત અને હલન ચલન કરી શકે તેવી સ્થિતિમાં નહીં હોવાથી તેમને તુરત જ જંગલ બહાર લાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ અશકત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય સ્વસ્થ થયા બાદ પોલીસ નિવેદન લેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. લઘુ મહંત શા માટે લાપત્તા થયા? તેનું સાચુ કારણ પોલીસ બહાર લાવે તે તરફ જનતા અને સેવકોની મીટ મંડાઈ છે.ss1
