આણંદમાંથી બંધ ફ્લેટનું તાળું તોડી સોના,ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી
Files Photo
પોલીસે ફરિયાદ નોંધી
આણંદમાં રહેતો પરિવાર ફ્લેટ બંધ કરીને રાજસ્થાન ફરવા ગયો હતો ત્યારે તસ્કરોએ ખેલ પાડી દીધો
આણંદ, આણંદ શહેરના લાંભવેલ રોડ ઉપર આવેલા ધનલક્ષ્મી ટાવરમાં પાંચમાં માળે આવેલા એક બંધ ફ્લેટના તાળા તોડી કોઈ ચોર શખ્સો તિજોરીમાંથી સોના, ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ આણંદ શહેર પોલીસના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે.
આણંદ શહેરમાં લાંભવેલ રોડ ઉપર આવેલા ધમલક્ષ્મી ટાવરના પાંચમા માળે નીશીતભાઈ કનુભાઈ પારેખ પોતાના પત્ની, સંતાન સહિતના પરિવાર સાથે રહે છે અને નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. હાલમાં દિવાળીના તહેવારોને લઈને નીશીતભાઈ પારેખ પોતાના ફ્લેટને તાળું મારીને પત્ની, પુત્ર સહિતના પરિવાર સાથે રાજસ્થાનના ખાટુશ્યામ ખાતે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ પુત્રને લઈને કાંકરીયા ખાતે ફરવા માટે ગયા હતા.
આ દરમ્યાન કોઈ ચોર શખ્સોએ ધમલક્ષ્મી ટાવરના પાંચમાં મારે આવેલ નીશીતભાઈ પારેખના ફ્લેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદરના દરવાજાના તાળા તોડી નાંખી પૂંજાના રૂમ તેમજ તીજોરી ખોલી સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. ચોર શખ્સો તિજોરીમાં મુકેલ સોનાની ચેન, કાનની બુટ્ટી, વીંટી, નાકની ચુની, ચાંદીના છડા, ચાંદીની પૂજા માટેની ગાય, ચાંદીનો તુલસી ક્યારો તેમજ રોકડ રકમ રૂ ૨૪ હજાર સહિતની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. નીશીતભાઈ પરિવાર સાથે પરત આવ્યા હતા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા જોવા મળતા જ અંદર જઈને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં અને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જે અંગે આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ss1
