ટ્રેનની બારીમાંથી ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે વંદે માતરમ્
૧૫૦ પૂર્વે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના શિવપુરથી કાઠલપરા સુધીની ટ્રેનની સફર દરમિયાન આપણા રાષ્ટ્રીય ગીતની રચના કરી હતી
ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ્ ગીતને પ્રથમ વાર સંગીતબદ્ધ કર્યું હતું
૧૯મી સદી તેના અંત તરફ સરકી રહી હતી. ભારતને આઝાદી મળવાને હજુ વર્ષોની વાર હતી. ભારત માતાને અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે નરબંકાઓ લોહીપાણી એક કરી રહ્યા હતા. એવામાં અંગ્રેજ સરકારના એક ડેપ્યુટી મેજીસ્ટ્રેટ પશ્ચિમ બંગાળમાં હાલના નૈહાટી વિસ્તાર એવા શિવપુરથી કાઠલપરા સુધી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. બારી બહારથી દેખાતા સુંદર દ્રષ્યો નીહાળી આ ડેપ્યુટી મેજીસ્ટ્રેટે એક કવિતાની રચના કરી. એ કવિતા એટલે વંદે માતરમ્ !
કવિતાનું શીર્ષક જાણી આ ડેપ્યુટી મેજીસ્ટ્રેટના નામ વિશે તો ખબર પડી જ ગઇ હશે ! આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાહિત્ય અને દેશભક્તિના રંગે ગળાડૂબ રંગાયેલા. તેમને જન્મ તા. ૨૭ જૂન ૧૮૩૮ના રોજ નૈહાટી, બંગાળમાં થયો હતો.
તે કલકત્તા યુનિવર્સિટીના પ્રથમ બે સ્નાતકોમાંના એક હતા. બ્રિટિશ શાસન દરમિયાન તેમણે ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી હોવા છતાં તેમના લેખનમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા દેખાય છે. બંકિમચંદ્રને આધુનિક બંગાળી સાહિત્યના જનક તરીકે માનવામાં આવે છે. તેમણે ‘દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’, ‘રાજસિંહ’ અને ‘આનંદમઠ’ જેવી અનેક અનન્ય કૃતિઓ રચી છે.
ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનું સૂર આપનાર ગીત “વંદે માતરમ” એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.
“વંદે માતરમ” શબ્દનો અર્થ છે “હે માતૃભૂમિ, તને નમન”. આ ગીત પ્રથમવાર બંકિમચંદ્રની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’ (૧૮૮૨)માં પ્રગટ થયું હતું. આ ગીતમાં માતૃભૂમિને દેવીરૂપે આરાધવામાં આવી છે, જેની પવિત્રતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને શૌર્યનું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. બંકિમચંદ્રે આ ગીતને અડધું સંસ્કૃત અને અડધું બંગાળી ભાષામાં રચ્યું હતું.
આ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ રવીન્દ્રનાથ ટાગોરે તૈયાર કર્યું હતું અને ૧૮૯૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં પહેલીવાર જાહેરમાં ગવાયું હતું. ત્યારથી “વંદે માતરમ” એ સ્વાતંત્ર્યસેનાનીઓ માટે આંદોલનની ગર્જના બની ગયું. લાલા લજપત રાય, બિપિનચંદ્ર પાલ અને અરવિંદો ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જનસમૂહે એકસાથે “વંદે માતરમ”ના નાદ સાથે સ્વાતંત્ર્યનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. ૧૯૫૦માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી.
તેમની કવિતાઓમાં માત્ર વંદે માતરમ જ નહીં, પરંતુ ‘જય ભારતિ’, ‘ભારત માતા’ તથા કૃષ્ણ પર આધારીત અનેક ભક્તિગીતો પણ સામેલ છે. તેમની રચનાઓમાં ધર્મ, ભક્તિ અને રાષ્ટ્રભાવના વચ્ચેનું અદભૂત સંકલન જોવા મળે છે. બંકિમચંદ્રના વિચારો અને સર્જનશક્તિએ રવીન્દ્રનાથ ટાગોરથી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ પાડ્યો છે..
૮ એપ્રિલ ૧૮૯૪ના રોજ બંકિમચંદ્રનું અવસાન થયું, પરંતુ તેમની કલમે રચેલા શબ્દો આજે પણ ભારતની આત્મા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. “વંદે માતરમ” માત્ર એક ગીત નથી પણ રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે.
આ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. રાજ્ય સરકાર તેના માનમાં તા. ૭ના રોજ જાહેરગાનનો કાર્યક્રમ આયોજિત કરી રહી છે. તેમાં સૌએ સહભાગી બનવું જોઇએ.
