રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન
ગાંધીનગર,રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત રાજ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવાર, ૭ નવેમ્બરનાં રોજ સરકારી કચેરીઓના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે તે દિવસે કચેરીઓ સવારે ૯ઃ૩૦ વાગ્યે શરૂ થઈને સાંજે ૫ઃ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ નિર્ણયનો હેતુ એ છે કે, રાજ્યના તમામ કર્મચારીઓ અને નાગરિકો આ ઐતિહાસિક અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં જોડાઈ શકે. વંદે માતરમ, જે રાષ્ટ્રભક્તિના ઉન્નત ભાવોને વ્યક્ત કરતું ગીત છ તેના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં વિવિધ જિલ્લામથકો પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
“વંદે માતરમ્” – આ માત્ર શબ્દો નથી, આ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૂર છે. આ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓનું ગૌરવગાન છે.. આ માઁ ભારતીની પવિત્ર ભૂમિને કરોડો ભારતીયોના વંદન છે.
1875 માં મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત આઝાદીની લડત દરમિયાન લાખો… pic.twitter.com/ErAax0xzvk
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
વિગતો મુજબ આ સંદર્ભે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને કાર્યક્રમને સંબોધિત કરશે. આ પ્રસંગે દેશપ્રેમ, એકતા અને સ્વાભિમાનના સંદેશ સાથે સંગીતમય કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતોનું પણ આયોજન થવાનું છે.
રાજ્યભરના તમામ જિલ્લામથકો પર પણ આ દિવસને ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં શાળાઓ, કોલેજો અને સરકારી વિભાગો સહભાગી બનશે. આ પ્રસંગ રાજ્યના નાગરિકોને રાષ્ટ્રગૌરવની ભાવના સાથે જોડવાનો અનોખો પ્રયાસ છે.
આજે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર ઃ ગાંધીનગરમાં યોજાશે મુખ્ય કાર્યક્રમ
