મમદાનીનો વિજય ન્યૂયોર્ક માટે આર્થિક-સામાજિક હોનારતઃ ટ્રમ્પ
મમદાની મેયર પદે ચૂંટાઈ આવતા ટ્રમ્પે જાહેરમાં બળાપો કાઢ્યો
અમેરિકનોએ કોમનસેન્સ અને કમ્યુનિઝમ બંનેમાંથી એકની પસંદગી કરવાનો સમય આવી ગયો છેઃ ટ્રમ્પ
વોશિંગ્ટન, અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીએ વિજય મેળવતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રીતસરનો બળાપો કાઢ્યો છે. ટ્રમ્પનો ધૂંધવાટ એટલો બધો હતો કે તે મમદાનીનું નામ બોલવા પણ માંગતો ન હતો. તેણે આક્રોશભર્યા સ્વરે જણાવ્યું હતું કે અમેરિકનોએ કોમન સેન્સ એ કમ્યુનિઝમ બંનેમાંથી એકની પસંદગી કરવાનો સમય આવી ગયો છે.અમેરિકાની ધરતી પર કમ્યુનિઝમને હું કોઈપણ રીતે ફેલાવવા નહીં દઉ. જો કે ટ્રમ્પના આકાશપાતાળ એક કરવા છતાં ૩૪ વર્ષના મમદાની શહેરના સૌથી યુવા અને સૌપ્રથમ મુસ્લિમ મેયર બનશે.
મમદાનીના વિજયને ટ્રમ્પે અમેરિકામાં સામ્યવાદીઓનો પહેલો વિજય ગણાવ્યો છે.ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકામાં મમદાનીના સ્વરુપમાં સામ્યવાદ પગપેસારો કરી રહ્યો છે.ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે મમદાનીએ વિજય મેળવતા અને તેના કમ્યુનિસ્ટ એજન્ડાને અમલમાં મૂકતા કેટલાય ન્યૂયોર્કવાસીઓ ત્યાંથી વિદાય લેશે અને ફ્લોરિડા ભાગી જશે. ટ્રમ્પે મમદાનીના વિજયને ન્યૂયોર્ક શહેર માટે આર્થિક અને સામાજિક હોનારત ગણાવી છે. તેના વિજય પછી ન્યૂયોર્ક ક્યુબા કે વેનેઝુએલામાં પરિવર્તીત થઈ જશે.
અમેરિકન બિઝનેસ ફોરમમાં બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે પાંચ નવેમ્બરે ૨૦૨૪ના રોજ અમેરિકનોએ અમારી સરકાર પસંદ કરે. અમે અમેરિકાને વધુ આઝાદ બનાવ્યું, વધુ લોકશાહીપૂર્ણ બનાવ્યું, મમદાનીને વિજય સાથે આપણે કેટલુંક સંપ્રભુત્વ ગુમાવી દીધું છે, પરંતુ અમે આ વાતનું ધ્યાન રાખીશું. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યૂયોર્ક માટે વિપક્ષની યોજના તેની આખા અમેરિકામાં લાગુ પાડનારી યોજના ગણાવી છે. ટ્રમ્પે દાવો કર્યાે છે કે અમેરિકાને આગામી દિવસોમાં કમ્યુનિસ્ટ દેશ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
મેં ઘણા પહેલાં જ ચેતવણી આપી હતી કે આપણા વિરોધીઓ દેશને ક્યુબા અને વેનેઝુએલા જેવો કમ્યુનિસ્ટ દેશ બનાવવા માંગે છે, જે હું મારા શાસનમાં થવા નહીં દઉં. ન્યૂયોર્કમાં જે થયું તે આ દિશામાં લેવાયેલું પહેલું પગલું છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પોતે પણ ન્યૂયોર્કવાસી છે. તેમણે ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર બિલ ડી બ્લાસિયોને પણ લપેટામાં લઈ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે હું ન્યૂયોર્ક છોડીને વ્હાઇટ હાઉસ ગયો હતો ત્યાં સુધી બધું બરોબર હતું પરંતુ અમને પરેશાનીના સ્પષ્ટ સંકેત મળી રહ્યા હતા. તેનું કારણ અમારી પાસે ડી બ્લાસિયો નામનો વ્યક્તિ હતો. તે કદાચ ન્યૂયોર્કના ઇતિહાસનો સૌથી ખરાબ મેયર હતો. ss1
