રેગિંગના લીધે ભવિષ્યમાં થનારા ડોક્ટરનું મૃત્યુ ખૂબ દુઃખદઃ હાઇકોર્ટ
રેગિંગ મુદ્દે સસ્પેન્ડ મેડિકલના ૧૫ વિદ્યાર્થીએ કરેલી અરજી પરત ખેંચી લીધી
આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઈએ, એક લાખ રૂપિયાથી કોઈનો દીકરો પાછો નહીં આવેઃ હાઇકોર્ટની ટકોર
અમદાવાદ, ધારપુરની GMERS મેડિકલ કોલેજના ૧૫ વિદ્યાર્થીઓને રેગિંગ બદલ સસ્પેન્ડ કરી દંડ કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઇકોર્ટનું આકરું વલણ જોતાં હાલ પૂરતી પરત ખેંચી લેવામાં આવી છે. આ કેસમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ રેગિંગનો ગંભીર મામલો છે. આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઈએ.
એક લાખ રૂપિયાથી કોઈનું બાળક પાછું આવશે નહીં. અરજદાર વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડવા ભણવા આવ્યા છે. એક-એક વિદ્યાર્થીને ૩૫ લાખ દંડ થવો જોઇએ અને મૃતકના વાલીઓને આ રૂપિયા આપવા જોઇએ. આખરે આ લોકો ડોક્ટર બનીને પૈસા જ કમાવવાના છે. ઓથોરિટીએ તો હળવો દંડ કર્યાે છે. ભવિષ્યના ડોકટરો આવા હોઇ શકે નહીં. તેમને કાયમ માટે મેડિકલ કોર્સમાંથી કાઢી નથી મૂક્યા.’ હાઇકોર્ટનું વલણ જોતાં અરજદારોએ યોગ્ય ફોરમ સમક્ષ અપીલ કરવાની મંજૂરી સાથે અરજી પરત ખેંચી હતી.
GMERS મેડિકલ કોલેજના ૧૫ વિદ્યાર્થીએ અરજી કરી હતી. જેઓને રેગિંગ કરવા બદલ બે વર્ષ માટે સસ્પેન્ડ અને દરેકને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ૧૬મી નવેમ્બર ૨૦૨૪ના રોજ પ્રથમ વર્ષના સ્મ્મ્જી વિદ્યાર્થીના રેગિંગ દરમિયાન થયેલા મોતના કેસમાં આ વિદ્યાર્થીઓ આરોપી છે. આ વિદ્યાર્થીઓ સામે વિવિધ આરોપસર ફોજદારી કેસ પણ ચાલી રહ્યો છે. ચાર્જશીટ મુજબ આરોપી વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીને ત્રણ કલાકથી વધુ સમય સુધી એક પગે ઊભો રાખ્યો હતો. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો અને પછી તેનું મોત થયું હતું.
વિદ્યાર્થીનું મૃત્યુ કાર્ડિયો રેસ્પિરેટરી અટેકથી થયું હતું. જેમાં એન્ટી રેગિંગ કમિટીએ ૧૫ વિદ્યાર્થીને બે વર્ષ માટે સસ્પેન્ડ અને પ્રત્યેકને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે. સસ્પેન્શનનું એક વર્ષ અરજદારો પૂર્ણ કરી ચૂક્યા છે. ત્યારે કારકિર્દીનું બીજું વર્ષ બગડે નહીં તે માટે તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.અરજદારોનું કહેવું હતું કે આ કેસમાં કોઈ ઇન્ટર્નલ તપાસ થઈ નથી. તેઓ એક વર્ષથી સસ્પેન્ડ છે. તેમની ઉપર ક્રિમિનલ કેસ ચાલુ છે. તેમને રજૂઆત કરવા માટે કોઈ શો કોઝ નોટિસ અપાઈ નથી.
તેઓ એક લાખ દંડ ભરવા અને ક્રિમિનલ ટ્રાયલ માટે તૈયાર છે. પણ તેમનું કારકિર્દીનું બીજું વર્ષ બગડે નહીં એ સુનિશ્ચિત કરવું જોઇએ. જે થયું એ એક અકસ્માત હતો અને આરોપીઓને રજૂઆતની તક પણ અપાઇ નથી. જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો તેના મેડિકલ બેકગ્રાઉન્ડ વિશે તેમને ખબર નહોતી. તેઓ વધુ એક લાખ દંડ ભરવા તૈયાર છે, પરંતુ તેમનું વર્ષ બગાડવામાં ન આવે. આ કેસમાં UGC અને મેડિકલ કમિશનની ગાઈડલાઈન મુજબ તપાસ થઈ નથી.ss1
