ગુજરાતી ફિલ્મ ‘લાલો’ ધીમી શરૂઆત પછી ચોથા અઠવાડિયે બ્લોકબસ્ટર
લાલો મોટા પડદે ‘વશ લેવલ ૨’થી આગળ નીકળી
આ ફિલ્મ ૨૬ દિવસમાં ૧૦.૧૫ કરોડની કમાણી સાથે એક બ્લોક બસ્ટર સાબિત થઈ છે. તેમાંથી ૮.૭૦ કરોડ તો છેલ્લા પાંચ દિવસમાં જ થયાં છે
મુંબઈ, દિવાળીના માહોલમાં એક સાથે બે ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમાં ‘ચણિયાટોળી’ તો પહેલાં દિવસથી જ સફળ હતી, પરંતુ તેની પહેલાં રિલીઝ થયેલી બીજી ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’ને ધીમી શરૂઆત મળી હતી. ૧૦ ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મને શરુઆતમાં ઘણા ઓછા સ્ક્રીન મળ્યા હતા. પરંતુ જેમ જેમ લોકો આ ફિલ્મ જોતાં ગયાં તેમ તેમ આ ફિલ્મ વખણાતી ગઈ અને તેનો પ્રતિસાદ પણ વધતો રહ્યો છે.
રિલીઝના પહેલાં ત્રણ અઠવાડિયામાં આ ફિલ્મે માત્ર ૧.૪૫ કરોડની જ કમાણી કરી હતી, તેમાં પહેલાં અઠવાડિયે તો માત્ર ૪૦ લાખની જ આવક થઈ હતી. પછી બીજા અઠવાડિયે ૩૦ લાખ અને ત્રીજા અઠવાડિયે આ ફિલ્મે ૭૫ લાખની કમાણી કરી છે. પરંતુ ચોથા શુક્રવારે ફિલ્મની ચર્ચા વધતાં ૪૫ લાખની આવક થઈ. તેણે પહેલાં અઠવાડિયાની કમાણીને પણ વટાવી દીધી.
પરંતુ શનિવારે બધાનાં આશ્ચર્ય સાથે આ ફિલ્મે ૧.૨૦ કરોડની કમાણી કરી, એટલું જ નહીં ચોથા રવિવારે આ ફિલ્મની કમાણી ૨.૧૦ કરોડે પહોંચી ગઈ. આ દોડ આટલે ન અટકી અને ચોથા મંગળવારે ૨.૭૫ કરોડની કમાણી કરી છે. આમ આ ફિલ્મને ગુરુવારે ૯૦ ટકા વધારે કમાણી થઈ છે. સમગ્ર ભારતમાં કોઈ પણ રાજ્યની ફિલ્મમાં આવું પહેલી વખત બન્યું છે. આ ફિલ્મ ૨૬ દિવસમાં ૧૦.૧૫ કરોડની કમાણી સાથે એક બ્લોક બસ્ટર સાબિત થઈ છે.
તેમાંથી ૮.૭૦ કરોડ તો છેલ્લા પાંચ દિવસમાં જ થયાં છે. ત્યારે આ ફિલ્મે સાબિત કર્યું છે કે જો સારું કન્ટેન્ટ હોય અને સારી માર્કેટિંગ સ્ટ્રેટેજી હોય તો ભલે તરત જ નહીં, પરંતુ ધીરે પણ આ ફિલ્મ લાંબા સમયે સફળ થઈ શકે છે. આ કમાણીથી લોકપ્રિય‘વશ લેવલ ૨’ને પણ ફિલ્મે પાછળ રાખી દીધી છે. હજુ આ ફિલ્મ ચાલતી રહેશે તો આ ફિલ્મ સૌથી મોટી ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે છે. ss1
