Western Times News

Gujarati News

AMC ઈજનેર વિભાગમાં 636 ભરતી કરશે: દરેક ઝોનમાં 17 ડેપ્યુટી સીટી ઈજનેરની નિમણૂંક કરશે

AI Image

મ્યુનિસિપલ ઇજનેર વિભાગના મહેકમમાં વધારોઃ નવી ૬૩૬ જગ્યા ખોલવામાં આવી-પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ થશે- દેવાંગ દાણી

દરેક ઝોનમાં ૭ એડિશનલ સીટી ઇજનેર, ૧૭ ડેપ્યુટી સીટી ઇજનેર, ૪૮ વોર્ડમાં ૪૮ આસિસ્ટન્ટ સીટી ઇજનેર, ૧૬૮ આસિસ્ટન્ટ સીટી ઇજનેર અને ૩૯૬ ટેકનિકલ સુપરવાઇઝર એમ મળીને ૬૩૬ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ના વ્યાપ અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ હદમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં રોડ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પૂર્ણ કરવી જરૂરી બને છે. પરંતુ મ્યુનિસિપલ ઇજનેર વિભાગમાં હાલ ઇજનેર વિભાગમાં સ્ટાફ ઓછો છે

તેથી વર્તમાન જરૂરિયાત ને ધ્યાનમાં લઈ ઇજનેર વિભાગની મહેકમ માં વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તરફથી આ અંગે રજૂ કરવામાં આવેલી દરખાસ્ત માં ફેરફાર કરી સ્ટેન્ડિંગ કમિટી ઘ્‌વારા મંજૂરી આપવામાં આવી છે. જે મુજબ દરેક ઝોનમાં સાત એડિશનલ સિટી ઇજનેર અને દરેક વોર્ડમાં આસિસ્ટન્ટ ઇજનેર મૂકવામાં આવશે. ઇજનેર વિભાગમાં કુલ ૬૩૬ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરનો દિન પ્રતિદિન વિસ્તાર વધી રહ્યો છે ૫૫૦ કિલોમીટરથી ફેલાયેલા અમદાવાદમાં રોડ પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવે છે જે કામ ઝડપી અને સમયસર પૂર્ણ થાય તેના માટે શહેરીજનોને સમયસર પાણી અને ગટરની સુવિધા મળી રહે તેના માટે ઇજનેર વિભાગમાં અધિકારીઓની ભરતી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર અને ઇજનેર વિભાગ તરફથી મૂકવામાં આવેલી દરખાસ્તમાં સુધારા સાથે મંજૂરી આપવામાં આવી છે. દરેક ઝોનમાં ૭ એડિશનલ સીટી ઇજનેર, ૧૭ ડેપ્યુટી સીટી ઇજનેર, ૪૮ વોર્ડમાં ૪૮ આસિસ્ટન્ટ સીટી ઇજનેર, ૧૬૮ આસિસ્ટન્ટ સીટી ઇજનેર અને ૩૯૬ ટેકનિકલ સુપરવાઇઝર એમ મળીને ૬૩૬ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

મ્યુનિસિપલ ઇજનેર વિભાગમાં આ ભરતી પ્રમોશનથી અને બહારથી પણ અધિકારીઓની ભરતી કરવામાં આવનાર છે. ખાસ કરીને અમદાવાદમાં ૩,૫૦૦ કિલોમીટરની ડ્રેનેજ લાઈન, ૯૮૦ કિલોમીટરની વરસાદી પાણીની લાઈન, ૫૫૨૫ કિલોમીટરની પાણીની લાઈન અને ૩૨૫૦ કિલોમીટરનું રોડનું નેટવર્ક છે ત્યારે ઇજનેર વિભાગમાં નવું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. નવું મહેકામ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે વાર્ષિક ખર્ચમાં પણ ૫૫ કરોડ રૂપિયાનો વધારો થશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધી રહ્યો છે અને વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરીજનોને શુદ્ધ પાણી ગટર વ્યવસ્થા રોડ સહિતની સુવિધાઓ મળી રહે તેના માટે તેની કામગીરી ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવે છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોજેક્ટ વિભાગ, સબ ઝોનલ અને ઝોનલ કક્ષાએ ઇજનેર વિભાગ કામગીરી થતી હોય છે ત્યારે શહેરના વિસ્તાર અને કામગીરીના સંલગ્નમાં જે ઇજનેર વિભાગનું જે મહેકમ હતું તેમાં વધારો કરવામાં આવ્યો છે.

ઈજનેર વિભાગને મુખ્યત્વે ત્રણ શાખામાં વહેંચવામાં આવેલો છે, જેમ કે જુદા જુદા પ્રોજેક્ટસ, સબઝોનલ કક્ષાએ તથા ઝોનલ કક્ષાએ પ્રોજેક્ટ્‌સનું કામ માળખાગત સુવિધાઓનું બાંધકામ કરવાનું છે જ્યારે માળખાગત સુવિધાઓની નિભાવણીનું કામ વોર્ડ કક્ષાએ સોંપવામાં આવેલું છે.

જેમ કે જુદા જુદા ઝોનલ કક્ષાએ સંલગ્ન પ્રોજેક્ટ તથા ઝોનલ કક્ષાના કામો માટે વધારાના મહેકમની જરૂરિયાત અંગે રી શીડ્યુલ કરી નવી મહેકમ તૈયાર કરવામાં આવી છે. જે ઝોન અને પ્રોજેક્ટ એમ બંને વિભાગમાં ઉપયોગી નિવડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.