ગોધરા બસ સ્ટેશન પર જામનગર જતી એસટી બસ શ્રમિકોને લીધા વગર જતી રહેતા હંગામો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના ગોધરા બસ સ્ટેશન ખાતે એક ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. જામનગર જતી એસટી બસ ૨૭ જેટલા શ્રમિક મુસાફરોને લીધા વગર જતી રહી, જેના કારણે નાના બાળકો અને મહિલાઓ સહિતના શ્રમિકોને કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રહેવાનો વારો આવ્યો હતો.
માહિતી મુજબ, શહેરા તાલુકાના નાડા ગામના ૨૭ શ્રમિકો દિવાળી બાદ જામનગર ખાતે ખેતમજૂરીના કામ માટે જઈ રહ્યા હતા. તમામે દાહોદથી જામનગર જતી એસટી બસ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી, જેથી બેઠકોની સગવડ મળી રહે.
છતાં પણ ડાકોર ડેપોની આ બસ તેઓને લીધા વગર જ આગળ નીકળી ગઈ હતી. બસ છૂટી જતાં શ્રમિકોએ ડાકોર એસટી વિભાગને જાણ કરતા અધિકારીઓએ જણાવ્યું કે “તમારે પોતાની રીતે સગવડ કરી લેવી પડશે, રિફંડ પણ નહીં મળે.” આ વાત સાંભળી શ્રમિકોમાં નારાજગી ફેલાઈ હતી.
શહેરા તાલુકાના શ્રમિક પ્રવીણસિંહ ગણપતિ પગીએ ગોધરા એસટી ડેપો ખાતે આ મામલે લેખિત રજૂઆત પણ કરી હતી, પરંતુ બસ નીકળી જવાના કારણે તંત્ર તરફથી કોઈ મદદ મળી શકી નહોતી.
આ અંગે ડાકોર ડેપોના સિનિયર મેનેજરે જણાવ્યું કે, “મુસાફરોને દાહોદથી બસમાં બેસવાનું હતું. કંટ્રોલરે એનાઉન્સમેન્ટ પણ કરાવ્યું હતું, પરંતુ મુસાફરો હાજર નહોતા. બસ સમયસર નીકળવી જરૂરી હોવાથી આગળ વધારી દેવામાં આવી હતી. તેથી રિફંડ આપવો શક્ય નથી.”
દિવાળીના તહેવાર બાદ મજૂરો સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરી કામ માટે જતા હોય છે, ત્યારે આવી બેદરકારી એસટી વિભાગની કાર્યપદ્ધતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
