વધુ ૪ સીટી બસો શરૂ કરવા નડિયાદમાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ચાર સીટી બસોની જગ્યા પર વધુ ચાર બસો દોડાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આ બદલપત્ર આપીને માંગણી કરી છે તેની સાથે સાથે સીટી બસ સ્ટેશન બનાવવા પણ માંગ કરી છે
નડિયાદની પ્રજા અને સીટી બસ સેવાને કોઈ સંબંધ ના હોય તેવું સીટી બસ સ્ટેશનના ભૂતકાળના ઇતિહાસ પરથી જોવા મળે છે વારંવાર સીટી બસ સેવા શરૂ થઈ અને કોઈ અગમ્ય કારણસર થોડા સમયમાં બંધ થઈ જતી હતી
અમે આ સેવા એસટી તંત્રના માધ્યમથી શરૂ કરવામાં આવી છે ત્યારે આ સેવા વધુ સક્રિય બને તેવી પ્રજાને આશા છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જાતની કાળજી રાખવામાં ન આવતી હોય આવનાર સમયમાં આ સેવા પણ બંધ થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે
નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ દ્વારા આ સેવા વધુ સક્રિય બને તે માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને તેમણે વારંવારની રજૂઆતો પણ ભૂતકાળમાં કરી છે અને આ રજૂઆતના આધારે આ સેવા હાલમાં શરૂ થઈ છે પરંતુ માત્ર ચાર બસથી જ શરૂ થયેલી આ સેવા હાલમાં સીમિત છે એટલે નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ નકુમ, ઘનશ્યામભાઈ પટેલ, સભ્ય સહિતના લોકોએ મહાનગરપાલિકામાં જઈને ડેપ્યુટી કમિશનરને આ બાબતે એક આવેદનપત્ર આપ્યું છે
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂ કરાયેલી ચાર બસો બાદ તાત્કાલિક ધોરણે બીજી વધુ ૪ બસો શરૂ કરવા અને શહેરની જૂની જેલની જગ્યા અથવા અગાઉના ટાઉન હોલની જગ્યાએ અત્યાધુનિક સીટી બસ સ્ટેશન બાંધવા માંગ કરી છે ઉપરાંત આ બસો પર ‘નડિયાદ મહાનગરપાલિકા સીટી બસ’ તેવી મોટી જાહેરાત લગાવવામાં આવે.
આ ઉપરાંત, જુદા જુદા બસ સ્ટોપ નક્કી કરી દરેક જગ્યાએ સીટી બસ સ્ટોપના બોર્ડ અને સમયપત્રક પણ મૂકવામાં આવે. ડભાણ રોડ પર મહત્વની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જીઈબી સહિતની ઓફીસો આવેલી હોવાથી સીટી બસો આ રોડ પર દોડાવવા માંગ કરી છે.
સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ નકુમે જણાવ્યું હતું કે નડિયાદ શહેરના જુની સબ જેલ વાળી જગ્યા રેલવે સ્ટેશન અને મુખ્ય બસ સ્ટેશનની નજીક હોવાથી સીટી બસ સ્ટેશન માટે અતિ ઉત્તમ છે. તેથી, જૂની જેલવાળી જગ્યાએ અથવા અગાઉ ટાઉન હોલ હતો તે જગ્યાએ અત્યાધુનિક સીટી બસ સ્ટેશન બાંધવા માં આવે..આ બસ સ્ટેશન સાથે વિશાળ ર્પાકિંગ, કોમ્યુનિટી સેન્ટર અથવા શોપિંગ સેન્ટર જેવી સુવિધાઓ વિકસાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
