જૂથ અથડામણમાં 50 થી વધુ લોકો સામે બાબરાના ફૂલઝર ગામે ફરિયાદ નોંધાઈ
AI Image
કુલેકામાં ટ્રેકટર ઘોડીને અડી જતાં પટેલ અને ક્ષત્રિય વચ્ચે વૈમનસ્ય થતાં તંગદિલીમાં એકનું મૃત્યુ
બાબરા, તાલુકાના ફૂલઝર ગામે ફુલેકામાં ટ્રેકટર ઘોડીને અડી જતાં પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલી બબાલમાં બન્ને પક્ષની ફરિયાદના અંતે કુલ પચાસથી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે
જેમાં ક્ષત્રિય સમાજના હરદીપભાઈ દેવકુભાઈ વાળાએ પોતાની ફરિયાદમાં સામા પક્ષના ર૯ જેટલા નામનો સહિત કુલ પ૦ લોકો સામે ગેરકાયદે મંડળી રચવા અને પિતા-પુત્ર અને ભાઈ ઉપર હુમલો કરવા સહિતના મુદ્દે ફરિયાદ આપી છે
જ્યારે સામા પક્ષે પટેલ રઘુભાઈ ગોકુળભાઈ પદમાણી દ્વારા કુલ છ જેટલા લોકો સામુ હુમલો કરવા અને વાહન અડફેટે મોટા દેવળિયાથી ફૂલઝર આવેલા મહેન્દ્રભાઈ ભાણાભાઈ વાળાનું મૃત્યુ નિપજાવવા તથા અન્યોને ગંભીર ઈજા પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
બાબરા તાલુકાના ફૂલઝર ગામે બાવાજી પરિવારના જયેન્દ્ર ગૌસ્વામીના લગ્ન પંથકમાં ગઈકાલે ફૂલેકામાં ક્ષત્રિય સમાજનો યુવક પોતાના અશ્વ સાથે આવ્યો ત્યારે ઘોડી અચાનક પાછી ચાલતા પાછળથી આવતા પટેલ પરિવારના ટ્રેકટર સાથે અથડાઈ હતી. આ મામલો બોલાચાલીમાં પરિણમતા બન્ને પરિવાર સામાસામે આવ્યા હતા.
લાકડી તલવાર પાઈપ વડે ધીગાણું થતાં બન્ને પક્ષના ૧૦થી વધુ લોકોને ઈજા થઈ હતી.
બનાવ સમયે ક્ષત્રિય સમાજના માણસુરભાઈ કંધુભાઈ વાળા પોતાની કાર લોકોને મારી નાંખવાના ઈરાદે પૂર ઝડપે ચલાવી દેતા બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે પાછળથી આવી રહેલા બાઈક ચાલક મહેન્દ્રભાઈ વાળા રોડ ઉપર પટકાતા ગંભીર ઈજા સાથે ગોંડલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ઈજાગ્રસ્તો અત્યારે ગોંડલ અને રાજકોટ, બાબરા સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા ફૂલઝર ગામ સહિત ઈજાગ્રસ્તો નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજે આ બનાવમાં પચાસથી વધુ સામે જુદી જુદી કલમો આધારિત ફરિયાદ દાખલ થઈ છે.
