જમીન કૌભાંડઃ ભાઈઓએ જ બહેનનું પ કરોડનું વળતર હડપી લીધું
પ્રતિકાત્મક
બોગસ પાવર ઓફ એટર્ની અને જિકમાં પકડાયેલી ખોટી સહીના આધારે આઠ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ
જેતપુર, સંપત્તિની લાલચમાં લોહીના સંબંધો કેવી રીતે લજવાય છે તેનું એક સનસખીખેજ ઉદાહરણ જેતપુરમાં સામે આવ્યું છે. જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ જ બહેન સાથે છેતરપિંડી કરી હોવાની ગંભીર ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
સુરત ખાતે વેપાર કરતાં કેશુભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ.૬૧)એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ વિરૂદ્ધ, આશરે રૂ.પ કરોડની રકમ હડપી જવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદી કેશુભાઈએ જણાવ્યું હતું કે, તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ જમીનના વળતરની રકમ સવિતાબેનને ન મળે અથવા ઓછી મળે તેવા બદઈરાદાથી તેમના જ ભાઈઓ અને પરિવારજનોએ ૧૯૯૮થી ર૦ર૪ દરમિયાન આખું ષડયંત્ર રચ્યું હતું.
સવિતાબેનના પિતાના અવસાન બાદ વારસાઈ નોંધમાં (નં.૧૪૧૧) તેમનું નામ દાખલ કરી તરત જ એક બોગસ કબૂલાતનામાના આધારે તેમનું નામ કમી કરી દેવાયું (નોંધ નં.૧૪૧ર). આ કબૂલાતનામા પર સવિતાબેનની સહી બોગસ અને બનાવટી હોવાનો જિક એકસપર્ટનો રિપોર્ટ પણ ફરિયાદ સાથે પુરાવા તરીકે રજૂ કરાયો છે.
આરોપીઓએ સવિતાબેનનો વિશ્વાસ કેળવી, કેસના કાગળોની આડમાં તેમની પાસે ખોટી રીતે પાવર ઓફ એટર્ની તથા બેન્કના કોરા ચેકો પર સહીઓ કરાવી લીધી હતી. આ જ બોગસ પીઓએ અને ચેકોનો દુરૂપયોગ કરી, આરોપીઓએ બેન્કમાંથી વળતર પેટે આવેલી અંદાજે પ કરોડની રકમ સવિતાબેનની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો.
આ સમગ્ર કૌભાંડમાં જે તે સમયના તલાટી કમ મંત્રી અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (ગોંડલ શાખા)ના અધિકારીઓની પણ મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
