યુવાનોમાં પણ ઝડપથી વધી રહ્યુ છે કેન્સરનું પ્રમાણઃ જાણો આ છે કારણો?
ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો જોવાયો-વાર્ષિક ૧.૪ લાખથી વધુ નવા દર્દીઓ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના આંકડાઓ રાજ્યની ગંભીર સ્થિતિ દર્શાવે છે. ૭મી નવેમ્બર ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ નિમિત્તે ગુજરાતમાં કેન્સરના વધતા કેસો અને સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાં પર એક નજર કરીએ.
ગુજરાતમાં દર વર્ષે આશરે ૧.૪ લાખથી વધુ નવા કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય ખાતાના આંકડા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. જેની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં ૬૯,૬૬૦ નવા કેસ, વર્ષ ૨૦૨૧માં ૭૧,૫૦૭ નવા કેસ અને વર્ષ ૨૦૨૨માં ૭૩,૩૮૩ નવા કેસ નોંધાયા છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ નિષ્ણાતોના મતે ધૂમ્રપાન, તમાકુ, અસ્થિર જીવનશૈલી અને વધતા પ્રદૂષણને આભારી છે.
ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર વયસ્કોમાં જ નહીં, પરંતુ યુવાનોમાં પણ કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. એક અંદાજ મુજબ, અમદાવાદ શહેરમાં માથા અને નાકના કેન્સરના આશરે ૪૭% દર્દીઓ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના છે, જેનું મુખ્ય કારણ ગુટકા, તમાકુ, માવા અને પાન-મસાલાનો ઉપયોગ છે.
કેન્સરના ગંભીર ભારણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અરસામાં પીએમ-જેએવાય (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ૨,૮૮,૦૬૨ કેન્સરના દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરીને સારવાર આપવી પડી હતી. આ આંકડાનો અર્થ છે કે ગુજરાતમાં રોજના સરેરાશ ૭૯૦ જેટલા કેન્સરના દર્દીઓને સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા.
વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ના ત્રણ વર્ષમાં રાજ્યમાં બે લાખથી વધુ સેશન દ્વારા ૭૮ હજાર જેટલા દર્દીઓને વિના મૂલ્યે કિમોથેરાપી સારવાર પણ આપવામાં આવી છે, જે સરકારી યોજનાઓનો મહત્વનો લાભ દર્શાવે છે. કેન્સરના વધતા કેસોનો સામનો કરવા અને દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર કવાયત કરી રહી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ સાત નવા ડે કેર કિમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે.
અત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ૩૫ ડે કેર કિમોથેરાપી સેન્ટર કાર્યરત છે. આ નવા કેન્દ્રો શરૂ થવાથી અંતરિયાળ વિસ્તારના કેન્સરના દર્દીઓનો અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા જેવા સ્થળોની સરકારી હોસ્પિટલો ખાતે કિમોથેરાપીની સારવાર માટે આવવા-જવાનો ખર્ચ અને સમય બચશે. રાજ્ય સરકાર દ્વારા આ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેના ગુજરાત કેન્સર રિસર્ચ ઇÂન્સ્ટટ્યૂટ સાથે કરાર કરવામાં આવ્યા છે.
જીસીઆરઆઈ દ્વારા રાજ્યના ચાર સેટેલાઈટ સેન્ટર (અમદાવાદ, સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર) ખાતેથી નજીકની જિલ્લા હોસ્પિટલોના ડે કેર કિમોથેરાપી સેન્ટરમાં જરૂરી સારવાર, દવાઓ અને ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
