અમદાવાદમાં કમળા-કોલેરા માટેના ૨૭ હાઈરિસ્ક એરિયા જાહેર કર્યા
આ પૈકી ૭૫૧ એટલે કે ૦.૧૪% સેમ્પલમાં કલોરીન જોવા મળ્યુ નહોતુ
ચોમાસુ પુરુ થયા પછી કમળા અને કોલેરા માટેના ૨૭ હાઈરીસ્ક એરીયા હેલ્થ વિભાગ તરફથી જાહેર કરાયા છે
નવી દિલ્હી,અમદાવાદમાં સતત વધી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસને લઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈન્ચાર્જ મેડીકલ ઓફિસરને ગુરૂવારે અધિકારીઓ સાથેની બેઠકમાં ખખડાવી નાંખ્યા હતા. કમિશનરે કહ્યું, તમે ઓછા કેસ બતાવીને રોગચાળો કાબૂમાં છે એમ બતાવવાની કોશીશ ના કરતા. આમ કરવાથી તમે પોતે ખોટા સાબિત થશો.
શહેરમાં આવેલા ખાનગી પ્રેકટિસનર ઉપરાંત હોસ્પિટલોમાંથી પણ મચ્છર અને પાણીજન્ય રોગના ક્યાં-કેટલા દર્દી નોંધાય છે એ વિગતો જાહેર કરવાનુ રાખજો. ચોમાસુ પુરુ થયા પછી કમળા અને કોલેરા માટેના ૨૭ હાઈરીસ્ક એરીયા હેલ્થ વિભાગ તરફથી જાહેર કરાયા છે.અમદાવાદમાં આ વર્ષે ચોમાસાનો સમય દિવાળી પછી પણ લંબાયેલો જોવા મળ્યો હતો. શહેરીજનો શરદી, ખાંસી, તાવ ઉપરાંત વાઈરલ ફિવર જેવા રોગથી મોટી સંખ્યામાં બીમાર પડી રહયા છે. આ જ સ્થિતિ પાણીજન્ય રોગમાં પણ જોવા મળી રહી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના નિયમ મુજબ પાણીના સેમ્પલ ૯૫% સુધી ફીટ આવે તો તેને પીવાયોગ્ય ગણાય છે. મ્યુનિ.કમિશનરે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ભાવિન સોલંકી પાસે પાણીના સેમ્પલ પૈકી કેટલા સેમ્પલમાં કલોરીન નીલ આવ્યુ અને કેટલા સેમ્પલ અનફીટ થયા એ વિગત માંગતા મેડીકલ ઓફિસરની સ્થિતિ કફોડી બની હતી. કેમકે અત્યાર સુધી તેઓ વીકલી રિવ્યૂ બેઠકમાં પાણીજન્ય રોગના કેસ વધવા મામલે ઈજનેર વિભાગ ઉપર ઠીકરુ ફોડતા હતા.
તેમણે જ આપેલી વિગત મુજબ વર્ષ-૨૦૨૫માં અત્યાર સુધીમાં કુલ ૫.૨૨ લાખ સેમ્પલ હેલ્થ વિભાગે લીધા હતા. આ પૈકી ૭૫૧ એટલે કે ૦.૧૪% સેમ્પલમાં કલોરીન જોવા મળ્યુ નહોતુ. પાણીના સેમ્પલ અનફીટ છે કે કેમ તે તપાસવા આ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૬૬,૮૫૩ પાણીના સેમ્પલના ટેસ્ટ કરાતા ૫૭૮ એટલે કે માત્ર ૦.૮૬% પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. જે વિસ્તાર પાણીજન્ય રોગના કેસ માટે હાઈરીસ્ક શ્રેણીમાં મુકાયા છે તે તમામ એરીયામાં હેલ્થ અને ઈજનેર વિભાગને પાણી અને ડ્રેનેજની લાઈનના લીકેજીસ શોધી સમારકામ કરાવવા માટે મ્યુનિ.કમિશનરે કડક તાકીદ કરી હતી.SS1
