સુઝૈન ખાનના માતા ઝરીન ખાનનું નિધન
૧૨ જુલાઈ, ૧૯૪૪ના રોજ જન્મેલા ઝરીન ભારતીય અભિનેત્રી, ઇન્ટિરિયર ડિઝાઇનર અને કુકબુકના લેખિકા હતા
અભિનેતા સંજય ખાનના પત્નીએ ૮૧ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
મુંબઈ,દિગ્ગજ અભિનેતા સંજય ખાનના પરિવાર તરફથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. તેમના પત્ની ઝરીન ખાનનું ૭ નવેમ્બરની સવારે મુંબઈમાં પોતાના ઘરે ૮૧ વર્ષની વયે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝરીન ખાનનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. તેમના નિધનથી દીકરો ઝાયદ ખાન અને દીકરીઓ સુઝૈન ખાન, સિમોન અરોરા, ફરાહ અલી ખાન સહિત આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સંજય ખાનના પત્ની ઝરીન ખાનના નિધન બાદ એન્ટરટેઈનમેન્ટ જગત સાથે જોડાયેલા સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
૧૨ જુલાઈ, ૧૯૪૪ના રોજ જન્મેલા ઝરીન ભારતીય અભિનેત્રી, ઇન્ટિરિયર ડિઝાઇનર અને કુકબુકના લેખિકા હતા. વર્ષ ૧૯૬૦ના દાયકા દરમિયાન ઝરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખૂબ જ ટૂંકા સમય માટે એક્ટિંગ ક્ષેત્રે સક્રિય રહ્યાં હતાં. ત્યારબાદ ઝરીને સંજય ખાન સાથે લગ્ન કરી લીધાં.ઝરીનનો જન્મ બેંગલુરુના પારસી પરિવારમાં થયો હતો. તેમણે કોલેજમાં અભ્યાસ નહોતો કર્યાે. સ્કૂલ પછી જ ઝરીન ક્રિએટિવિટી અને બિઝનેસની દુનિયામાં આવી ગયાં હતાં.
સંજય ખાનના પત્ની તરીકે અને એક અભિનેત્રી તરીકે પણ ઝરીનને ઓળખવામાં આવતા હતા. ઝરીને વર્ષ ૧૯૬૩માં ફિલ્મ ‘તેરે ઘર કે સામને’થી ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ પછી ઝરીને સંજય ખાન સાથે લગ્ન કરી લીધાં. ફિલ્મ ‘એક ફૂલ દો માલી’માં ઝરીને કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું હતું.અહેવાલો મુજબ, સંજય અને ઝરીન સૌપ્રથમ એક બસ સ્ટોપ પર મળ્યા હતા. પ્રથમ મુલાકાતમાં જ, બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો.
ત્યારબાદ, વર્ષ ૧૯૬૬માં બંનેએ લગ્ન કર્યા અને ત્યારથી તેઓ જીવનભર સાથે રહ્યા.વર્ષ ૨૦૨૫ના જુલાઈ મહિનામાં જ ઝરીને પોતાનો જન્મદિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. તેમની દીકરી સુઝૈન ખાનએ આ પ્રસંગે માતાની કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘મામા મિયા, તમે કેટલા સુંદર મમ્મી છો. સુંદર મમ્મીને જન્મદિવસની શુભેચ્છાઓ. હું જીવનમાં જે કંઈ કરું છું કે બનાવું છું, તે બધું તમારા કહેવા મુજબ જ હોય છે અને આ વાત ખૂબ જ સુંદર છે.
હું તમારી દીકરી છું, તે માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. યુનિવર્સ તમારું રક્ષણ કરશે, જેથી તમે દરેકના ચહેરા પર સ્મિત લાવી શકો.’ફિલ્મ જગતના લોકો ઝરીન ખાનના અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, તેમના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે, તે વિશેની માહિતી હજી સુધી જાહેર થઈ નથી.SS1
