Western Times News

Gujarati News

પ્રમુખસ્વામીના પ્રમુખ વરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બરે વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ઉપક્રમે ૭ ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાશે વિશિષ્ટ કાર્યક્રમ

વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે નાત-જાત, ઊંચ-નીચ કે ધર્મ- પ્રાંતના ભેદભાવો સિવાય પોતાનું સમસ્ત જીવન લોકસેવામાં સમર્પિત કરીને સમાજને પવિત્ર પ્રેરણાઓ આપી છે.

બી.એ.પી.એસ. સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદમાં આંબલીવાળી પોળમાં તેઓને ૧૯૫૦ માં સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી પ્રમુખસ્વામી મહારાજના વહાલસોયા નામથી તેઓ કરોડો લોકોના હૃદયમાં બિરાજમાન થઈ ગયા અને સનાતન ધર્મની પરંપરાને જગતભરમાં વિસ્તારવાનું અમર અને અજોડ કાર્ય કર્યું.

પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, એટલે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે, જેનો હજારો ભક્તો ભાવિકો લાભ લેશે.

આ અવસરે નદીકાંઠે નૌકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવવાનો એક વિશિષ્ટ પ્રયાસ થશે અને તેઓના મહાન આધ્યાત્મિક ગુણોનું સ્મરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સમાજની અનેક મુશ્કેલીઓમાં જાતને ઘસીને સૌની સેવા કરનાર આ મહાન કરુણામૂર્તિ સંતના ઋણ-સ્મરણ સાથે, તા. ૨૧-૧-૨૦૧૭ના રોજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ યોજનાના દધીચિ પુલથી વાસણા બેરેજ સુધીના સૌથી લાંબા સાડા અગિયાર કિલોમીટરના માર્ગનું ‘પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માર્ગ’ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.