અમરાઈવાડીમાં ઘરની બહાર જ યુવકને રહેંસી નાંખ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે આ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યા અને હુમલાના બનાવો દિનપ્રતિદિન વધવા લાગ્યા છે જેના પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો
જેમાં પોતાના ઘરની બહાર ઉભેલા એક યુવક પર બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત અમરાઈવાડીમાં જ અંગત અદાવતમાં એક યુવક પર ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તેને ગંભીર હાલતમાં એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એક જ રાતમાં બનેલી બે ઘટનાઓથી પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
આ અંગેની વિગત એવી છે કે અમરાઈવાડી વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે. સાંજ પડતા જ આ વિસ્તારમાં ગુંડારાજ પ્રવતતું હોય તેવી પરિસ્થિતિ જાવા મળતી હોય છે આ સ્થિતિમાં ગઈકાલે રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.
અમરાઈવાડી વિસ્તારમાં સર્વોદયનગર પાસે આવેલા ૭પ/રર ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા રોહન ઉર્ફે વિશાલ રમેશભાઈ પરમાર નામનો ર૬ વર્ષનો યુવક રાત્રિના ૧૧.૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર નીકળ્યો હતો.
આ દરમિયાનમાં ઘરની બહાર જ બાઈક પર ત્રણ જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા રોહન કશું સમજે તે પહેલા જ આ શખ્સોએ રોહન પર હુમલો કરી આખા શરીર પર તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા ભારે બુમાબુમ થઈ હતી જેના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં આ દરમિયાનમાં ટોળુ એકત્ર થવા લાગતા બાઈક પર આવેલા ત્રણેય હત્યારાઓ ભાગી છુટયા હતાં.
ઘરની બહાર જ લોહીથી લથબથ રોહન પરમાર ઢળી પડેલો જાવા મળતા પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા અને લોકોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું તપાસ કરતા સ્થળ પર જ ગંભીર ઈજાઓ થવાથી રોહનનું મોત નીપજયું હતું આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ગભરાટ અને રોષની લાગણી ફેલાઈ હતી આ અંગે અમરાઈવાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને વિશાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટે આ વિસ્તારના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હુમલાની અન્ય એક ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની હતી રણછોડ કોલોની પાસે આવેલા અજય ટેનામેન્ટમાં રહેતો રાકેશ નામનો યુવક ગઈકાલે રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ ઘરેથી પોતાના મિત્ર સાથે નજીકમાં આવેલા પાનના ગલ્લા પર જવા નીકળ્યો હતો આ દરમિયાનમાં અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને બંને બાઈકો વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો
આ દરમિયાનમાં બંને છુટા પડી ગયા હતા અને રાકેશ તેના મિત્ર સાથે ઘરે પરત જવા નીકળ્યો હતો આ દરમિયાનમાં અન્ય બાઈક સ્વારે તેનો પીછો કરી આંતર્યો હતો અને બંનેને ઉભા રાખ્યા હતા. રાકેશ કશું સમજે તે પહેલા બાઈક પર આવેલા શખ્સે તેના પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગો પર છરીના ઘા મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો
આ દરમિયાનમાં ભારે હોહામચી જતા હુમલાખોર બાઈક સવાર ત્યારથી ભાગી ગયો હતો. બીજીબાજુ ગંભીર રીતે ઘવાયેલા રાકેશને એલ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે. ઘટનાની જાણ થતાં અમરાઈવાડી પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી. ટુંકાગાળામાં જ બે ઘટનાઓ બનતા પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા છે આ ઘટનામાં પણ આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.