અમદાવાદમાં પ્લાસ્ટિક રોડ બનશે: 30 ટકા ઓછો ખર્ચઃ પાણીમાં નહીં તૂટે! -25 વર્ષ આયુષ્ય
અમદાવાદમાં રાજ્યનો પ્રથમ પ્લાસ્ટિક રોડ બનશે-પીરાણા પાસે પાયલોટ પ્રોજેક્ટ શરૂ, સ્ટીલ કરતાં ૨૫ વર્ષ વધુ આયુષ્ય સાથે ટકાઉ માર્ગનો યુગ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં રસ્તા નિર્માણની ટેક્નોલોજીમાં વધુ એક મોટું પરિવર્તન લાવવામાં આવ્યું છે. બેંગ્લોરની વ્હાઇટ ટોપિંગ પદ્ધતિના રોડ બનાવ્યા બાદ, છસ્ઝ્ર એ હવે પોલિઇથીલીન મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તા બનાવવાનો નિર્ણય કર્યો છે, જે ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ માર્ગ હશે.
ઉત્તર ભારતના રાજ્યો જેમ કે દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. AMCનો દાવો છે કે આ માર્ગ ડામરના રસ્તા કરતાં ૩૦% જેટલો ઓછો ખર્ચાળ હશે અને પાણીથી તૂટશે નહીં. વરસાદની ઋતુ બાદ માર્ગો તૂટી જવાની સમસ્યા સામે પોલિઇથીલીનના રોડ વધુ ટકાઉ સાબિત થશે, તેવા અનુમાન સાથે પીરાણા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ઇફ ડેનિમની સામે આ માર્ગ તૈયાર કરવામાં આવશે.
અમદાવાદ મનપા દ્વારા પોલિઇથીલીન મટીરીયલનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી શહેર રાજ્યનો પ્રથમ પોલિઇથીલીન રોડ બનાવનારું બનશે. ઈજનેર વિભાગનું અનુમાન છે કે આ ટેક્નોલોજી નોર્થ ઇન્ડિયાના રાજ્યોમાં સફળ રહી છે.
ડામરના રસ્તાની સરખામણીમાં આ મટીરીયલ વધુ ટકાઉ છે અને ખાસ કરીને વરસાદની ઋતુ દરમિયાન પાણી ભરાઈ જવાથી માર્ગો તૂટી જાય છે તે સમસ્યા સામે વધુ સારી રીતે ટકી શકશે.
AMCનો દાવો છે કે હાલ શહેરમાં જે માર્ગો બનાવવામાં આવે છે, તેનાથી ૩૦% ઓછી કિંમતમાં આ પોલિઇથીલીનના રોડ તૈયાર કરી શકાશે. આ મટીરીયલ બનાવવા માટે પ્લાસ્ટિક જેવા મટીરીયલનો ઉપયોગ થતો હોવાનું મનપા દ્વારા કહેવામાં આવ્યું છે. માત્ર ખર્ચમાં જ નહીં, પરંતુ ટકાઉપણુંમાં પણ આ રોડ શ્રેષ્ઠ સાબિત થશે. જ્યાં સ્ટીલનું મટીરીયલ પાણીમાં કટાઈ જાય છે, ત્યાં પોલિઇથીલીન રોડનું આયુષ્ય ૨૫ વર્ષ સુધીનું રહેવાનો અંદાજ છે.
અગાઉ નેશનલ હાઇવે દ્વારા બ્રિજ બનાવવાની કામગીરીમાં પણ પોલિઇથીલીનનું મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવ્યું છે, જ્યાં તે સફળ પુરવાર થયું છે.
આ સફળતાને ધ્યાનમાં રાખીને AMCએ હવે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પીરાણા વિસ્તારમાં આ પોલિઇથીલીન મટીરીયલનો માર્ગ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે, તો શહેરના અન્ય માર્ગો પર પણ આ નવી ટેક્નોલોજીનો અમલ કરવામાં આવશે.
