Western Times News

Gujarati News

શ્રમજીવીઓના ઝઘડામાં એકને પતાવી પોલીસને ગેરમાર્ગે દોરવા જતાં બે ઝડપાયા

AI Image

પૂછપરછમાં તેમણે લાકડાના ડફણાંથી મારીને હત્યા કર્યાની કબૂલાત કરી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો પણ ભાંડો ફૂટ્યો.

હત્યા કરીને આરોપીઓએ મોટું ષડયંત્ર રચ્યું, પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો -જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જેસીંગપુર ગામે એક શ્રમજીવીની હત્યા કરવામાં આવી હતી

મહીસાગર,  જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ જેસીંગપુર ગામે એક શ્રમજીવીની હત્યા થઈ હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું રચાયું હતું, પરંતુ લુણાવાડા પોલીસે ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની કરતૂતને લઈને તેમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બીજી તરફ આ બનાવને લઈને હાલ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જેસીંગપુર ગામ ખાતે નવી વસાહતમાં બની રહેલા એક મકાનમાં પંચમહાલના કાલોલના રહેવાસી મંગળભાઈ નાયક છેલ્લા બે મહિનાથી કડિયા કામ કરતા હતા. સમી સાંજે અહીં બે શ્રમજીવી પરિવારો વચ્ચે કોઈ વહેમ અને શંકાને લઈને લોહિયાળ ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં મંગળભાઈ નાયકને મહેશભાઈ મણીભાઈ નાયક અને મહેશભાઈ વજેસિંહ નાયક નામના બે શખ્સોએ લાકડાના ડફણાંથી માર મારી ગંભીર ઈજા પહોંચાડી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આરોપીઓ દ્વારા બાદમાં આ હત્યાને આત્મહત્યાના બનાવવામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓએ આ હત્યાને છુપાવવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું. બંને આરોપીએ મળીને મંગળભાઈ નાયકના મૃતદેહને પહેલા માળે લઈ ગયા અને ત્યાંથી રેતીના ભાગે ફેંકી દીધો. ત્યારબાદ પોલીસને જણાવ્યું કે, કામ કરતી વખતે પડી જવાથી મૃત્યુ થયું છે. જોકે, લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ વડવીને આ સમગ્ર બનાવમાં હત્યાની આશંકા લાગી.

તેમણે યોગ્ય દિશામાં તપાસ શરૂ કરી, જેમાં ખબર પડી કે ઘટના બાદ અન્ય બે શ્રમજીવી ગાયબ છે. પોલીસે ગણતરીના કલાકોમાં પલાયન થયેલા મહેશભાઈ મણીભાઈ નાયક અને મહેશભાઈ વજેસિંહ નાયકને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં તેમણે લાકડાના ડફણાંથી મારીને હત્યા કર્યાની કબૂલાત કરી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો પણ ભાંડો ફૂટ્યો. લુણાવાડા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હાલ આ અંગે વધુ તપાસ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.