માગરોળ ખાતેથી માછીમારોને ગુમ યુવતીનો મૃતદેહ મળી આવ્યો
પ્રતિકાત્મક
પ્રિ-વેડિંગ માટે પહોંચેલી યુવતીની મિત્ર સેલ્ફી લેવા જતાં દરિયાનું મોજું આવતા ખેંચાઈ ગયાની ઘટના બની હતી
ગીર સોમનાથ, બે દિવસ અગાઉ ગીર સોમનાથમાં પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન એક ગોઝારી ઘટના બની હતી. દરિયામાં એક યુવતી તણાઈ જવાની ઘટના બની હતી. જે બાદ પોલીસ અને એનડીઆરએફની અલગ-અલગ ટીમો બનાવી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ યુવતી મળી આવી નહોતી.
હવે માહિતી સામે આવી છે કે, માછીમારોને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. માગરોળ ખાતેથી માછીમારોને ગુમ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટના વેરાવળના આદ્રી ગામે દરિયા કિનારે બની હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, યુવતી પ્રિ-વેડિંગ શૂટ માટે પોતાના થનારા પતિ સાથે પહોંચી હતી. તેની સાથે કેટલાક તેમના મિત્રો પણ ગયા હતા. જેમાં પ્રિ-વેડિંગ માટે પહોંચેલી યુવતીની મિત્ર સેલ્ફી લેવા જતાં દરિયાનું મોટું મોજું આવતા ખેંચાઈ ગયાની ઘટના બની હતી.
આ બનાવ ગીર સોમનાથના વેરાવળમાં બન્યો હતો. જેમાં દરિયા કિનારે ફોટોશૂટ કરવા માટે યુવક અને યુવતી પહોંચ્યા હતા. આ દરમિયાન જે મિત્રો કપલની સાથે ગયા હતા તેઓ દરિયાની નજીક સેલ્ફી લઈ રહ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
માહિતી મુજબ જે યુવતી પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે ગઈ હતી તેની સાથે તેના એક ફ્રેન્ડ પણ હતી, જે આદ્રી ગામે દરિયા પાસે સેલ્ફી લઈ રહી હતી અને ત્યારે જ દરિયાના મોજાથી થપાટ વાગતા તે દરિયામાં તણાઈ ગઈ છે. પ્રિ-વેડિંગ શૂટ માટે કપલ દરિયા કિનારે આવ્યા હતા અને તે સમયે એક સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી દરિયામાં તણાઈ ગઈ હોવાનો બનાવ બન્યો છે, જોકે, આ ઘટના દરમિયાન જે અન્ય ૪ લોકો હતા તેમનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની જે વિગતો મળી રહી છે તેમાં એ પણ સામે આવી રહ્યું છે કે, યુવતી સાથે અન્ય ૪ લોકો હતા તેમનો આબાદ બચાવ થયો છે, દરિયાનું મોજું આવતા જે ૪ લોકો હતા તેમણે એકબીજાના હાથ પકડીને સુરક્ષિત કર્યા હતા પરંતુ જે અન્ય યુવતી હતી તે એક જ ક્ષણમાં દરિયામાં ખેંચાઈ ગઈ હતી.
દરિયામાં ખેંચાઈ ગયેલી યુવતી વેરાવળના રામપરા ગામની હોવાની વિગતો મળી રહી છે. મરિન પોલીસને જાણ થતાં સ્થાનિક માછીમારોની મદદ લઈને દરિયામાં તણાયેલી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, લગ્ન પહેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ બની ગયો છે, જેમાં ઘણાં પોતાના લગ્ન પહેલાના સમયને વધુ સારી બનાવવા માટે આ પ્રકારના ફોટોશૂટ કરાવે છે, અહીં આવેલા થનાર દંપતીને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ જીવન સાથે ગાળવા માટે જે તૈયારી કરી રહ્યા છે તેનો શરુ થતાં પહેલા જ અંત આવી જશે.
આ પ્રકારની ઘટનાઓ આગામી સમયમાં ન બને અને કોઈનો ભોગ ન લેવાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા નિયમો પણ બનાવવામાં આવી શકે છે.
