Western Times News

Gujarati News

ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ

Files Photo

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ટેકાના ભાવે ખરીદી સમયે  ખેડૂતોને અગવડ પડે તેવી સુચારુ અને પારદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ

Ø  નોંધાયેલા ખેડૂતોને અગાઉથી જણસી લઈને આવવાની તારીખ અંગે SMSના માધ્યમથી જાણ કરાશે

Ø  પ્રથમવાર ટેકાના ભાવે ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા થશે; વેચાણ કરવા આવી શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈ

Ø  ખરીદી બાદના ટૂંક સમયગાળામાં ખેડૂતોને DBT માધ્યમથી તેમના બેંક ખાતામાં ચૂકવણું કરાશે

Ø  મહત્તમ ખરીદ કેન્દ્રો શરૂ કરીને બનતી ત્વરાએ ખરીદી પૂર્ણ કરવા નોડલ એજન્સીને સૂચનાઓ અપાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યમાં સુચારુ અને પારદર્શક રીતે ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા.

ટેકાના ભાવે ખરીદી સરળતાથી અને કોઈપણ અગવડ વગર થઈ શકે તે માટે દિવસ વાર ચોક્કસ સંખ્યામાં ખેડૂતોને અગાઉથી જ SMS કરીને વેચાણ માટે બોલાવવામાં આવશે. મહત્તમ ૯૦ દિવસમાં ખરીદી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખરીદી બનતી ત્વરાએ પૂર્ણ થઈ શકે તે માટે મહત્તમ ખરીદ કેન્દ્રો શરૂ કરવા અંગે પણ નોડલ એજન્સીને સૂચનાઓ આપવામાં આવી છે.

વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટેકાના ભાવે ખરીદી યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે તે માટે પણ અનેકવિધ વ્યવસ્થાઓ અને સુધારાઓ કરવામાં આવ્યા છે. પ્રથમવાર ટેકાના ભાવે જણસીની ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન (POS) કે ફેસ રેકગ્નિશન દ્વારા કરવામાં આવશે. ટેકાના ભાવે વેચાણ કરવા આવી ન શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈ કરાવવામાં આવી છે.

ટેકાનાભાવે વેચાણ માટે નોંધણી કરાવી હોય તેવા ખેડૂતોને જણસી લઈને આવવાની તારીખ અંગે આગોતરું આયોજન કરીને તેઓને થોડા દિવસ અગાઉથી જ SMSના માધ્યમથી જાણ કરવામાં આવશે. આ ઉપરાંત જે તારીખે ખેડૂતે જણસી લઈને વેચાણ માટે આવવાનું છે, તેના એક દિવસ પહેલા પણ પુન: એક SMS કરવામાં આવશે.

આ ઉપરાંત ટેકાના ભાવે વેચાણ કરેલા ખેડૂતોને તેમની જણસીનું ચૂકવણું ટૂંક જ સમયમાં DBT માધ્યમથી સીધું તેમના આધાર બેઝ બેંક ખાતામાં કરવામાં આવશે. આટલું જ નહીં, ખરીદ કેન્દ્રથી ખરીદી કરેલો માલ ગોડાઉન સુધી લઈ જવા સમયે ઉપયોગ થનાર વાહન પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મગફળી માટે ૯.૩૧ લાખથી વધુ, સોયાબીન માટે ૭૨,૯૦૦થી વધુ, અડદ પાક માટે ૧,૯૦૦થી વધુ અને મગ પાક માટે ૬,૦૦૦થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.