Western Times News

Gujarati News

રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતાં સંઘવી

પ્રત્યેક નાગરિકને ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય મળવો બંધારણીય  અધિકાર છે, જેની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભા મિલાવી સતત કાર્યરત છે: શ્રી હર્ષ સંઘવી

ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત અદ્યતન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું

ન્યાય હંમેશા ઝડપી અને સરળ હોવો જોઈએ જે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ન્યાયની પારદર્શિતા અને સુલભતા માટે સરકાર પ્રતિબદ્ધ – શ્રી હર્ષ સંઘવી

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત રૂ. ૦૭ કરોડના ખર્ચે નિર્મિત આ આધુનિક ન્યાય મંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયાલય સંબંધિત સેવાઓ સરળતા અને સુવિધાથી ઉપલબ્ધ કરાવશે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના આ ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ, જે ગુજરાત–મહારાષ્ટ્રની સરહદ પર આવેલો છે.  આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીંના રેલવે પ્લેટફોર્મ પરથી બે રાજ્યો દેખી શકાય છે. કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ આવા વિસ્તારનું સંચાલન હંમેશા પડકારરૂપ રહે છે, છતાં તાપી જિલ્લાના ન્યાયતંત્રે તે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે.

શ્રી હર્ષ સંઘવીએ તાપી જિલ્લાના સમગ્ર ન્યાયતંત્રને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ઝડપી અને સુલભ ન્યાયની દિશામાં જિલ્લા કોર્ટ જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે. આદિવાસી અને સરહદી વિસ્તારોના લોકો માટે જે નવી સુવિધાઓ ઉભી થઈ રહી છે, તેનાથી ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા વધુ સરળ બનશે.

નવા સિવિલ કોર્ટ ભવન વિશે જણાવતાં તેમણે કહ્યું કે, આ ભવન વકીલો ઉપરાંત સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાસભર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. સાક્ષી તરીકે દિવસભર કોર્ટમાં રહેવું ન પડે તે માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સરકાર અને ન્યાયતંત્ર મળીને નાગરિકોને વધુ સગવડતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે, એટલી જ જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની પણ છે. ગુનેગારો સામે મજબૂત પુરાવા એકત્ર કરવા તે અત્યંત જરૂરી છે. તેમણે સરકારી વકીલોને દરેક કેસમાં માત્ર પીડિતના દ્રષ્ટિકોણથી ન્યાય મળે તે દિશામાં પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે કહ્યું કે, દરેક નાગરિકને ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય મળવો એ બંધારણીય અધિકાર છે. આ અધિકારની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભા મિલાવી સતત કાર્યરત છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ટ્રાન્સપેરન્સી, ઈફિશિયન્સી અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપી રહી છે. આ દિશામાં ગુજરાતની ન્યાયપાલિકાએ અગ્રણી ભૂમિકા ભજવી છે. ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે જ્યાં હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરીને પારદર્શિતાનું અનોખું ઉદાહરણ આપ્યું છે.

તે જ રીતે વર્ચ્યુઅલ કોર્ટ, ઈ-ફાઈલિંગ અને પેપરલેસ સિસ્ટમ જેવી નવી પહેલો ન્યાયપ્રણાલીનો અભિન્ન ભાગ બની રહી છે. વડાપ્રધાનશ્રી કહે છે કે, ‘“ન્યાય હંમેશા સરળ અને સ્પષ્ટ હોય છે. પરંતુ ક્યારેક જટીલ પ્રક્રિયાઓ ન્યાયને મુશ્કેલ બનાવી દે છે. તેને શક્ય તેટલો સરળ અને સ્પષ્ટ બનાવવાની આપણી સૌની જવાબદારી છે.” એ પ્રક્રિયાને સરળ બનાવવા સરકાર અને ન્યાયતંત્ર મળીને સતત પ્રયત્ન કરી રહ્યા છે.

આ તકે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડીંગ માત્ર માળખું નથી, પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયનું આશાનું કિરણ છે. તેમણે કોર્ટ પરિસરની સ્વચ્છતા જાળવવાની સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી તેજસ દેસાઈએ જણાવ્યું હતું કે ઉચ્છલની આવશ્યકતા પૂર્ણ થઇ છે અને આ નવું કોર્ટ બિલ્ડીંગ નાગરિકોને નિષ્પક્ષ અને ઝડપી ન્યાય આપવા સહાયરૂપ બનશે. આ પ્રસંગે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વ્યારાના પરિવારને સોનાના દાગીના અને રોકડ રકમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.