Western Times News

Gujarati News

મતદાર યાદી માટે સ્વયં સેવકો કોઈ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન હોવાની શરત માથાનો દુઃખાવો

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક

મતદાર યાદી ખાસ સુધારણા માટે મ્યુનિ. કર્મચારીઓને સ્વયંસેવક તરીકે નિમાશે

(એજન્સી)અમદાવાદ, ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદી ખાસ સુધારણા અભિયાનમાં મતદારો અને બીએલઓને મદદરૂપ થવા માટે મ્યુનિ. આસિસ્ટન્ટ કમિશનરોને ઝોન-વોર્ડ વિસ્તારમાંથી ર૦-ર૦ મ્યુનિ. કર્મચારીઓને સ્વયં સેવક તરીકે નિમવાનો આદેશ જારી કરાયો છે.

સ્વયં સેવકો કોઈ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન હોવાની શરત માથાનો દુઃખાવો બની છે કારણ કે કોણ સંકળાયેલું છે કે નહીં ? તે મ્યુનિ. આસિ. કમિશનરો માટે જાણવું મુશ્કેલ છે.

ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથોને કોઈ હેરાનગતિ ન થાય તેમજ તેમને શકય એટલી સુવિધા પ્રદાન કરવા માટે સ્વયં સેવકોની મદદ લેવાનો નિર્ણય બહાર રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન લેવાયો હતો.

ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદારો અને મતદાન મથકોના બીએલઓને મદદરૂપ થવા માટે મહાનગરપાલિકા વિસ્તારો તેમજ સમગ્ર રાજ્યમાં સ્વયંસેવકોની નિમણૂંક કરાશે.

પંચના આદેશ અનુસંધાને મ્યુનિ. ઈલેકટશન વિભાગે પણ ૧૭ આસિસ્ટન્ટ કમિશનરોના ઝોન-વોર્ડ વિસ્તારમાંથી ર૦-ર૦ કર્મચારીઓને ફાળવવા સૂચના પાઠવી છે. સ્વયં સેવક તરીકે નિમણૂંક આપતા જે તે કર્મચારી કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી તેની તકેદારી રાખવાની રહેશે.

નિષ્પક્ષ કામગીરી માટે આ સૂચના જરૂરી છે પરંતુ આસિસ્ટન્ટ કમિશનરો કે ડે.કમિશનરને કયા કર્મચારી કયા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તે કઈ રીતે ખબર પડશે તે જાણવામાં મુશ્કેલ પડી રહી છે.

કેટલાય કર્મચારી અને અધિકારી જાહેરમાં નહીં પણ અંદરખાને કોઈને કોઈ પક્ષ સાથે સંકળાયેલા હોય છે તેથી તેમને અલગ તારવીને સ્વયં સેવક તરીકીને જવાબદારી ન સોંપવાનો નિર્ણય લેવાનું કામ કપરું હોવાનું આસિસ્ટન્ટ કમિશનરોના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.