‘ઇન્દિરા આવાસ યોજના’ના મકાનની છત પડતાં એક જ પરિવારના 5 સભ્યોના મોત
રાત્રે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર અચાનક મકાનની છત તૂટી પડતાં 5ના મોત
પટણામાં મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ૫ સભ્યોના મોત -ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી
પટણા, બિહારના દાનાપુર દિયારાના અકિલપુર થાણા વિસ્તારમાં રવિવારે રાત્રે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના બની, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બની ગયા.
રાત્રે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર અચાનક મકાનની છત તૂટી પડતાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે સૌના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, માનસ નયા પાનાપુર ૪૨ પટ્ટી વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય બબલૂ ખાન પોતાની ૩૦ વર્ષીય પત્ની રૌશન ખાતૂન અને બાળકો સાથે રહેતા હતા. રવિવારે રાત્રે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા,
ત્યારે લગભગ દસ વાગ્યે અચાનક તેમના મકાનની છત જોરદાર અવાજ સાથે નીચે તૂટી પડી.ંઆ દુર્ઘટનામાં, બબલૂ ખાન, તેમની પત્ની રૌશન ખાતૂન, તેમની બે દીકરીઓ – ૧૨ વર્ષીય રૂખશાર અને ૨ વર્ષીય ચાંદની, તેમજ ૧૦ વર્ષીય પુત્ર મોહમ્મદ ચાંદ, સૌ કાટમાળ નીચે જીવંત દટાઈ ગયા હતા. છત પડવાનો અવાજ અને ચીસો સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અને સ્થાનિક લોકોએ સાથે મળીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ જ્યારે પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને સૌના શ્વાસ થંભી ગયા હતા
સ્થાનિક થાણાધ્યક્ષે જણાવ્યું કે એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂર્વ પ્રમુખ સીપી સિંહે જણાવ્યું કે આ મકાન ‘ઇન્દિરા આવાસ યોજના’ હેઠળ બનાવવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
