3.25 કરોડની રકમ આર્બીટ્રેટર તથા વકીલોને ચૂકવવા છતાં AMCની આર્બીટ્રેશનના ૬૧ કેસોમાં હાર
AI Image
છેલ્લા પાંચ વર્ષમાં વકીલોને કુલ રૂ. ૧૧.૬૦ કરોડ અને આબિટ્રેટરોને રૂ. ૧.૯૫ કરોડની ફી ચૂકવાઈ હોવાનું રિપોર્ટ દર્શાવે છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૬૯ આબિટ્રેશન કેસ દાખલ થયા હતા. મોટાભાગના કેસોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની ચુકવણી, વધારાના કામો અને કરાર મુજબની જવાબદારીઓ અંગે વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો. હાલ દાખલ થયેલા તમામ કેસોમાં કોર્પોરેશનની તરફથી લડી રહેલા ૧૧ વકીલોના નામ કમિટીને સપુર્દ કરાયા છે.
મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના ૪ વકીલ, ૧૮ હાઈકોર્ટના વકીલ અને ૧૧ સિવિલ કોર્ટના વકીલો દ્વારા આ કેસોમાં કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. છતાં અંતિમ પરિણામોમાં કોર્પોરેશનને નુકસાન વધુ ભોગવવું પડ્યું છે. આબિટ્રેશનના ૬૯માંથી મોટાભાગના કેસોમાં કોર્પોરેશન હારી ગયું હોવાનું સ્પષ્ટ થાય છે. લીગલ સેલની કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યાં છે.
આબિટ્રેશન કેસોના નાણાકીય પાસાં પર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં વકીલોને કુલ રૂ. ૧૧.૬૦ કરોડ અને આબિટ્રેટરોને રૂ. ૧.૯૫ કરોડની ફી ચૂકવાઈ હોવાનું રિપોર્ટ દર્શાવે છે. આબિટ્રેશનની પ્રક્રિયા લાંબી ચાલતી હોવાથી ફીનો બોજ પણ વધી ગયો છે. નાગરિકોના ટેક્સના નાણાંમાંથી મોટા પાયે ફી ચૂકવવી પડી હોવા અંગે નાગરિક વર્ગમાં અસંતોષ છે.
કેસોની હારના મુખ્ય કારણોમાં દસ્તાવેજોની અધૂરાઈ, જવાબદારી નક્કી કરવામાં લાપરવાહી, કરારની શરતોનું પાલન ન થવું અને સમયસર પ્રતિસાદ ન આપવા જેવી ઉણપો સમાવેશ થાય છે. રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોર્પોરેશન પાસે લીગલ તૈયારી મજબૂત હોત તો નુકસાન ટાળી શકાય તેમ હતું. કોંગ્રેસે માંગણી કરી છે કે સમગ્ર બાબતની તટસ્થ તપાસ કરાવી જમ્મેદારો સામે કાર્યવાહી કરવી જરૂરી છે.
