Western Times News

Gujarati News

‘તે મારાથી ખુશ નથી પણ ફરી પ્રેમ કરવા લાગશે’: ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોમાં નરમાઈના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એક “વ્યાપક અને ન્યાયસંગત” વેપાર કરારની અત્યંત નજીક છે અને ટૂંક સમયમાં ભારતીય વસ્તુઓ પર લગાવવામાં આવેલી ઊંચી ટેરિફ દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

ટ્રમ્પના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વેપારી તણાવમાં ઘટાડો થવાની આશા જાગી છે.ટ્રમ્પે કહ્યું, “અત્યારે તેઓ (ભારત) મારાથી બહુ ખુશ નથી, પરંતુ તેઓ ફરીથી અમને પસંદ કરશે.

અમે એક નિષ્પક્ષ વેપાર કરારની ખૂબ નજીક છીએ, જે બંને દેશો માટે ફાયદાકારક રહેશે.”છેલ્લા કેટલાક મહિનાઓમાં, ખાસ કરીને ટેરિફ અને રશિયાથી ઉર્જા આયાતને લઈને બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા હતા. આ વર્ષની શરૂઆતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર રશિયાથી તેલની આયાત ઘટાડવા માટે દબાણ બનાવવાના હેતુથી ભારતીય નિકાસ પર વધારાની ડ્યુટી લગાવી હતી અને ઘણી વસ્તુઓ પર ટેરિફ દર ૫૦ ટકા સુધી વધારી દીધા હતા, જેના કારણે વેપાર વાટાઘાટોમાં તણાવ વધ્યો હતો.

સોમવારે ટ્રમ્પે દાવો કર્યાે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યાે છે. તેમણે કહ્યું, “તેમણે (ભારતે) રશિયન તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. તે ખૂબ ઘટી ગયું છે. હા, અમે પણ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડવા જઈ રહ્યા છીએ, અને તે ગમે ત્યારે થઈ શકે છે.” જોકે, ભારતે ટ્રમ્પના આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

થોડા દિવસો પહેલા ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે નવી દિલ્હી કોઈના દબાણમાં નહીં, પરંતુ પોતાના નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્‰ડ ઓઇલની આયાત અંગે નિર્ણય લે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન વોશિંગ્ટનમાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા તેમના નજીકના સહયોગી સર્જિયો ગોરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આપ્યું હતું.

તેમણે ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક, વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના શાનદાર સંબંધો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યાે કે રાજદૂત તરીકે સર્જિયો ગોર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.