ડીએનએ પરીક્ષણમાં વ્યક્તિની પ્રાઈવસી અને ગૌરવની સુરક્ષા અનિવાર્યઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે ડીએનએ પરીક્ષણ સંલગ્ન એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, સામાન્ય કેસમાં ડીએનએ પરીક્ષણનો આદેશ ના આપી શકાય અને તે વ્યક્તિના ગૌરવનું રક્ષણ તથા લગ્ન દરમિયાન જન્મેલા બાળકની કાયદેસરતા માટે કડક સુરક્ષાને આધિન છે.
સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું કે, ડીએનએ પરીક્ષણ એક વ્યક્તિની પ્રાઈવસી અને શારીરિક સ્વાયત્તામાં ગંભીર હસ્તક્ષેપ છે, અને તે બંધારણીય સુરક્ષાના ઉપાયોને આધિન હોવું જોઈએ.
ન્યાયના હિતમાં અનિવાર્ય હોય તો જ ડીએનએ પરીક્ષણનો આદેશ આપી શકાય. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વિપુલ પંચોલીની બેન્ચે જણાવ્યું કે, ડીએનએ પરીક્ષણના આદેશમાં ‘અત્યંત સાવધાની’ રાખવી જોઈએ જેથી લગ્નજીવનની પવિત્રતા અને લગ્નથી જન્મેલા બાળકની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.
તમિલનાડુ સ્થિત એક તબીબે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી એક અરજી દાખલ કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ મુજબ અવલોકન કર્યું હતું. ડોક્ટરે મદ્રાસ હાઈકોર્ટના એ ચુકાદાને પડકાર્યાે હતો જેમાં તેને ડીએનએ પ્રોફાઇલિંગ માટે લોહીનો નમૂનો આપવા જણાવાયું હતું.
આ સમગ્ર કેસ પટ્ટુકોટાઈની એક મુસ્લિમ મહિલાની ફરિયાદ સાથે સંકળાયેલો છે, જેણે આક્ષેપ કર્યાે હતો કે તેના પતિની સારવાર દરમિયાન ડોક્ટરે તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો જેનાથી બાળક જન્મ્યું હતું.
બાદમાં ડોક્ટરે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે ડોક્ટરના ડીએનએ ટેસ્ટનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવતા કહ્યું કે, આ ચુકાદો કાયદાની જોગવાઈઓ અને બંધારણીય સુરક્ષાના ઉપાયોની મૂળભૂત ખોટી વ્યાખ્યા પર આધારિત હતો. સર્વાેચ્ચ અદાલતે નોંધ્યું કે, વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ ભલે ગમે તેટલી અદ્યતન હોય, તેને અટકળોનું શસ્ત્ર ના બનાવી શકાય.SS1MS
