ડીસામાં બે પેઢીમાંથી ૯ લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયું
ડીસા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરતી બે પેઢીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. ૮.૯૮ લાખથી વધુની કિંમતનો ૧૫૦૦ કિલોગ્રામથી વધારે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર અને ફૂડ સેફટી ઓફિસર ઇ.એસ. પટેલની ટીમે ડીસામાં આવેલી બે પેઢીઓમાં તપાસ કરી હતી જ્યાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન બંને પેઢીઓ બંધ હાલતમાં જોવા મળી હતી, છતાં સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ કાર્ય ચાલુ હતું. બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગેના કેસો દાખલ થઈ ચૂક્યા છે. તપાસ ટીમે બંને સ્થળોએથી ઘીના નમૂનાઓ લઈ ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
બંને પેઢીઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરાય છે કે તેઓ માત્ર પ્રમાણિત લાયસન્સ ધરાવતા ઉત્પાદકો પાસેથી જ ખાદ્ય વસ્તુઓની ખરીદી કરે, જેથી ભેળસેળવાળા ખોરાકના સેવનથી થતા આરોગ્ય જોખમોથી બચી શકાય.SS1MS
