Western Times News

Gujarati News

ભાવનગર હીરા ઉદ્યોગમાં મંદી: વેકેશન બાદ માત્ર ૩૫ ટકા જ કારખાનાં શરૂ

ભાવનગર, ભાવનગર જિલ્લામાં કૃષિ ક્ષેત્ર પછી મોટી સંખ્યામાં શ્રમિકો હીરા ઉદ્યોગ પર નિર્ભર છે. જોકે, આ વર્ષે દિવાળીની રજાઓ સમાપ્ત થયા બાદ હીરા ઉદ્યોગ પર મંદીનો પ્રભાવ યથાવત્ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે લાભ પાંચમ અથવા અગિયારસના શુભ મુહૂર્તથી કામકાજ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે હીરા બજારોમાં સુસ્તીનું વાતાવરણ છે.

દિવાળી બાદ જે કારખાનાઓ અને હીરા ઓફિસો શરૂ થવી જોઈતી હતી, તેઓએ હજી સુધી મુહૂર્ત પણ કર્યા નથી.ભારે મંદીને કારણે આ યુનિટો હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થયા નથી. હાલમાં માત્ર ૧૦થી ૨૦ ટકા હીરા ઓફિસો અને જિલ્લાના ૩૦થી ૩૫ ટકા હીરાના કારખાનાઓ જ ખુલ્યા છે. શહેરની અંદાજે ૩થી ૪ હજાર હીરાની ઓફિસો અને કારખાનાઓમાં લગભગ ૧.૫થી ૨ લાખ જેટલા લોકોને રોજગાર મળે છે, છતાં હાલ મોટાભાગના યુનિટો બંધ છે.

છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફના પ્રભાવને કારણે ઉદ્યોગ પર માઠી અસર પડી છે. હીરા બજારોમાં ચહલપહલની અપેક્ષા હતી, પરંતુ હાલ સુધી કોઈ ખાસ સુધારો દેખાતો નથી.હીરાના વેપારી સતિષભાઈ માંડાણીએ જણાવ્યું કે, સતત નુકસાનીને કારણે તેમને પગલું ભરવું પડ્યું છે. તેમણે કહ્યું કે, “મારે ઓફિસમાં ૩૦થી ૩૫ લોકોનો સ્ટાફ હતો.

અત્યારે અમે બધાને છૂટા કર્યા છે. અમારે પણ તેમને રોજીરોટી આપવી છે, પણ કઈ રીતે આપવી? રોજને રોજ નુકસાની જતી હોવાથી કેટલી નુકસાની સહન કરવી?”અન્ય એક મેન્યુફેક્ચર, ભરત ભાયાણીએ જણાવ્યું કે, માર્કેટ સાવ ઊભું રહી ગયું છે અને તેઓ પોતાનું યુનિટ હજુ ૫૦ ટકાના સ્ટાફથી જ શરૂ કરી શકશે.

ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ પણ પુષ્ટિ કરી કે પૂનમ પછીના દિવસો વીતી ગયા હોવા છતાં, જિલ્લાના ૨થી ૩ હજાર કારખાનાઓમાંથી માત્ર ૩૦થી ૩૫ ટકા જ શરૂ થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.