એથેન્સ ટાઇટલ જીત્યા બાદ યોકોવિચ એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયો
એથેન્સ, હેલેનિક ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં લોરેન્ઝો મુસેટીને ત્રણ કલાકના સંઘર્ષ બાદ હરાવીને નોવાક યોકોવિચે ટાઇટલ જીતી લીધું હતું પરંતુ ત્યાર બાદ તરત જ તેણે એટીપી ફાઇનલ્સમાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો.
આમ યોકોવિચ સતત બીજા વર્ષે એટીપી ફાઇનલ્સમાં નહીં રમે.રવિવારે રાત્રે રમાયેલી હેલેનિક ઓપનની ફાઇનલમાં યોકોવિચે શાનદાર રમત દાખવી હતી તેમ છતાં તેને ત્રણ કલાક સંઘર્ષ કરવો પડ્યો હતો જેને અંતે સર્બિયાના આ ખેલાડીએ મુસેટીને ૪-૬, ૬-૩, ૭-૫થી હરાવ્યો હતો. આ સાથે યોકોવિચે તેની કારકિર્દીમાં ૧૦૧મુ ટાઇટલ જીતી લીધું હતું.
યોકોવિચે ફાઇનલ જીત્યા બાદ ખભાની ઇજાને કારણે આ સિઝનની અંતિમ ટેનિસ ટુર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય જાહેર કર્યાે હતો. તેણે જણાવ્યું હતું કે ખભાની ઇજા તેને આ સિઝનની અંતિમ ટુર્નામેન્ટમાં રમતા અટકાવે છે.
એટીપી ફાઇનલ્સ આ વખતે ઇટાલીના તુરીન ખાતે યોજાનારી છે. મને મારી આ લાગણી જાહેર કરતાં દુઃખ થાય છે કે મારે વર્તમાન ઇજાને કારણે આ ટુર્નામેન્ટમાંથી નામ પરત લેવું પડ્યું છે તેમ તેણે ઉમેર્યું હતું.યોકોવિચના આ નિર્ણયનો અર્થ એ થયો કે એટીપી ફાઇનલ્સમાં હવે મુસેટી તેનું સ્થાન લેશે. ફાઇનલ્સમાં અગાઉ ક્વોલિફાઈંગ સ્થાન ફેલિક્સ ઓગર એસ્સામીને ફાળવવામાં આવ્યું હતું.
નોવાક યોકોવિચે તેની કારકિર્દીમાં સાત વાર એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીત્યું હતું પરંતુ ૨૪ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ગયા વર્ષે પણ ઇજાને કારણે એટીપી ફાઇનલ્સ ચૂકી ગયો હતો.૩૮ વર્ષીય યોકોવિચે આ ઉપરાંત ૭૨મી વખત હાર્ડ કોર્ટ પર ટાઇટલ જીત્યું હતું.
આમ તેણે રોજર ફેડરર કરતાં એક ટાઇટલ વધારે જીત્યું છે. મેચ બાદ યોકોવિચે જણાવ્યું હતું કે મુસેટી સામેનો આ મુકાબલો રસપ્રદ રહ્યો હતો અને ત્રણ કલાક સુધી રમતનો રોમાંચ જોવા મળ્યો હતો. શારીરિક રીતે હું થાકી ગયો હતો પરંતુ મારી જાત પર મને ગર્વ થાય તેવી રમ઼ત રમવાનો આનંદ પણ અનેરો હોય છે. અંતિમ સેટમાં પાંચ બ્રેક જોવા મળ્યા હતા જેને અંતે સર્વિસ વિનર દ્વારા યોકોવિચે સેટ અને મેચ જીતી લીધી હતી. આ સાથે મુસોટી છઠ્ઠી વાર ટૂર લેવલની ફાઇનલમાં હાર્યાે છે.SS1MS
