હાઉસિંગ બોર્ડમાં મકાન-દુકાનના નામે ઠગાઇ કરનાર દંપતી સામે વધુ એક ફરિયાદ
અમદાવાદ, જુહાપુરા વિસ્તારમાં રહેતા ઠગ દંપતીએ એએમસી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઊંચી ઓળખાણ હોવાનું કહીને મકાન અને દુકાનનો સોદો કરીને લાખો રૂપિયા મેળવીને ખોટી રસીદો આપી હતી. જે કેસમાં પોલીસે થોડા દિવસ અગાઉ જ આરોપી દંપતીની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ વધુ ભોગ બનનાર લોકો સામે આવતા વેજલપુર પોલીસે વધુ એક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓએ હાલ સુધીમાં ૧૦થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જમાલપુરમાં રહેતા આયેશાબીબી કુરેશી ચારેક વર્ષ પહેલા તેમની મોટી દીકરી રેહાનાબાનુના ઘરે ગયા હતા.
રેહાનાબાનુએ પતિની દુકાનમાં કામ કરતા અનવર સિપાઇ અને તેની પત્ની શાઇનબાનુ પાસેથી અંબર ટાવર પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્કીમમાં મકાન અને દુકાન ખરીદ્યા હતા. રેહાનાબાનુએ ૧.૨૦ લાખની રકમ નક્કી કરીને ૬૦ હજાર ચૂકવી દીધા હતા.
રેહાનાબાનુએ ડિપોઝિટ સહિત કુલ રૂ. ૨.૧૦ લાખ રૂપિયા આપ્યા હતા જેની સામે અનવર અને તેની પત્નીએ રસીદ પણ આપી હતી. જ્યારે આયેશાબીબીએ મકાન કે દુકાન લેવા સંપર્ક કર્યાે ત્યારે અનવર અને શાઇનબાનુનો સંપર્ક થઈ શકતો નહોતો.
જેથી ઠગ દંપતીના ઘરે તપાસ કરતા તાળું મારેલું હતું. આયેશાબીબીએ તપાસ કરી તો આ ઠગ દંપતીએ તેમના સાગરિતો સાથે મળીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
અનવરના પરિવારજનોએ પણ ખોટા કેસમાં ફસાવી દેવાની અને હાથ પગ ભંગાવી દેવાની ધમકી આપી હતી. જેથી વેજલપુર પોલીસે શાઇનબાનુ, તેના પતિ અનવર સિપાઇ અને પુત્ર અયાન તથા પુત્રી મીસ્બાહ સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ઠગ દંપતી વિરુદ્ધ બે મહિના અગાઉ પણ આ જ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. ત્યારે વધુ ૨.૧૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા આરોપીની ફરી વાર ધરપકડ કરી ઉંડાણપૂર્વકની તપાસ કરાશે.SS1MS
