Western Times News

Gujarati News

ફિટનેસમાં હજી પણ અમે અપેક્ષા મુજબ રહ્યા નથીઃ ગૌતમ ગંભીર

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન છે અને આવતા વર્ષે દેશમાં જ યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ અમે ફિટનેસની બાબતમાં હજી એ જગ્યાએ પહોંચ્યા નથી જ્યાં અમારે હોવું જોઇએ તેમ ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું હતું. જોકે તેણે એમ પણ ટકોર કરી હતી કે આ માટે અમારી પાસે હજી પર્યાપ્ત સમય છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતીને પરત આવેલી ભારતીય ટીમના કોચ ગંભીરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ખેલાડીઓએ તેમનું ફિટનેસ લેવલ એક ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની જરૂર છે કેમ કે તેઓ ઘરઆંગણે રમવાના છે અને પોતાનું વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ ડિફેન્ડ કરવા માટે રમનારા છે.

ટીમના ડ્રેસિંગરૂમનું વાતાવરણ પારદર્શી છે અને દરેક ખેલાડી એકમેક સાથે સારી રીતે વર્તી રહ્યા છે અને અમે આ જ ઇચ્છીએ છીએ. મને લાગે છે કે અમે હજી સુધી ફિટનેસમાં એ લેવલે પહોંચ્યા નથી જ્યાં અમારે હોવું જોઇએ.ફિટનેસના લેવલની વાત કરીએ તો હજી પણ સુધારાની જરૂર છે.

ખાસ તો અમે આ જ માર્ગે જઈ રહ્યા છીએ અને ટીમના ખેલાડીઓ સાથે આ અંગે અમારે વાતચીત પણ થઈ રહી છે. અમે એ દિશામાં આગળ ધપી રહ્યા છીએ. ખરેખર તો ફિટનેસ એકદમ શાર્પ હોવી જોઇએ.

અમે ફિટ રહેવા માગીએ છીએ અને અમે ઝડપથી આગળ ધપવા માગીએ છીએ તેમ ચીફ કોચ ગંભીરે ઉમેર્યું હતું.ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનરે વધુમાં જણાવ્યું હતું કે અમે જેટલા વધારે ફિટ હોઇશું તેટલા જ માનસિક રીતે મજબૂત બની શકીશું. દબાણવાળી મેચમાં તમે જેટલા ફિટ હશો, જેટલા માનસિક રીતે મજબૂત હશો તેટલા જ સફળ થઈ શકશો.

અમારી પાસે હજી ત્રણ મહિના બાકી છે અને અમ એ લેવલે પહોંચી શકીએ તેમ છીએ. આગામી ટી૨૦ વર્લ્ડ કપ ફેબ્›આરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાનારો છે.

ગૌતમ ગંભીરે ભારતની બોલિંગ અંગે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે તાજેતમાં એશિયા કપમાં જસપ્રિત બુમરાહ પાસે પાવરપ્લેમાં ત્રણ ઓવર કરાવી તે અમારું આક્રમક વલણ હતું. ઘણા બધા લોકો કહે છે કે ટી૨૦ માટેની વર્તમાન ભારતીય ટીમ બેટિંગમાં ઘણી આક્રમક છે. મારા માટે બોલિંગમાં પણ તે આક્રમક છે. મારા મતે બુમરાહ પાસે પાવરપ્લેમાં ત્રણ ઓવર કરાવવી તે વધારે આક્રમક બાબત છે.

હું નથી ઇચ્છતો કે ભારતની આ ટીમ માત્ર તેની બેટિંગને કારણે જ ઓળખાય કેમ કે અમારી પાસે વિશ્વકક્ષાની બોલિંગ પણ છે અને જસપ્રિત બુમરાહ તેમાં મોખરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.