Western Times News

Gujarati News

અનીતે હોરર કોમેડીમાં કિઆરાની જગ્યા લીધી

મુંબઈ, જ્યારથી અનીત પડ્ડા અને અહાન પાંડેની ‘સૈયારા’ આવી ત્યારથી અનીત પડ્ડા જેન ઝીનો નવો ચહેરો બની ગઈ છે. વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ આપ્યા પછી હાલ તે તેની કોલેજની ફાઇનલ એક્ઝામની તૈયારીઓ કરી રહી છે.

તેની પરીક્ષાઓ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પુરી થશે. પછી તે મેડોકની ‘શક્તિ શાલિની’નું શૂટ શરૂ કરશે.આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર, “આટલી નાની ઉમરે અનીત આટલી મોટી સફળતા બની ગઈ છે, તે બહુ મોટી વાત છે.

તે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તેની કોલેજની ફાઇનલ પરીક્ષાઓ આપશે. તેના પછી તે દિનેશ વિજાનની શક્તિ શાલિની માટે કામ શરૂ કરશે. તે હાલ પોલિટિકલ સાયન્સમાં બી.એનો અભ્યાસ કરી રહી છે. તે કામ અને અભ્યાસ બંને એકસાથે સારી રીતે મેનેજ કરી રહી છે.”

અનીત મેડોકની કોઈ ફિલ્મમાં લીડ રોલ કરનારી સૌથી નાની ઉંમરની એક્ટ્રેસ છે, કે માત્ર ૨૨ વર્ષની છે. તેની ફિલ્મ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે. આ સાથે જ અનીતે આ ફિલ્મમાં કિઆરાને રિપ્લેસ કરી હોવાની વાત પર ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિકે સ્પષ્ટતા પણ કરી છે. મેડોકના હોરર કોમેડી યુનિવર્સની સ્ત્રીથી શરૂઆત કરનાર અમર કૌશિકે જણાવ્યું, “કિઆરા સુંદર કલાકાર છે.

કશું જ નક્કી થયું નહોતું, તેથી મને પણ ખબર નથી કે આ બધું કઈ રીતે બહાર આવ્યું. હું તો હંમેશા કિઆરા સાથે કામ કરવા માગું છું. તમે જ્યારે સ્ટોરી લખો ત્યારે તમારા મનમાં વિચાર હોય છે અને તમે જેમ આગળ વધો તેમ તમને ખ્યાલ આવે છે કે આ પાત્રમાં કોણ ફિટ બેસે છે.

જ્યારે સૈયારા આવી ત્યારે અમે હજુ શક્તિ શાલિની લખી રહ્યા હતા.”જ્યારે કિઆરા આ ફિલ્મ ક્યારેય કરવાની હતી કે નહીં, તે અંગે અમર કૌશિકે કહ્યું, “કોઈ નક્કી થયું નહોતું. એવું કશું જ હતું નહીં. અમે માત્ર વિચારવામાં હતા કે આ રોલ માટે કોને લઈ શકાય. ક્યારેક તો આપણને આખી વાતની ખબર પણ ન હોય અને વાતો વહેતી થઈ જતી હોય છે.”

થમ્મા ફિલ્મ વખતે શક્તિ શાલિનીનું ટીઝર લોંચ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન અને રશ્મિકાની આ ફિલ્મની પોસ્ટ ક્રેડિટમાં એ જાહેર કરી દેવાયું હતું કે અનીત પડ્ડા આ ફિલ્મમાં લીડ રોલ કરશે. જોકે, આ ફિલ્મ અંગેની અન્ય કોઈ માહિતી હજુ જાહેર થઈ નથી. અમર કૌશક લખે છે અને આ ફિલ્મ મેડોકના હોરર કોમેડી યુનિવર્સનું આગળનું પ્રકરણ હશે એ નક્કી છે.

અત્યાર સુધીમાં આ યુનિવર્સમાં સ્ત્રી, સ્ત્રી ૨, મુંજ્યા, ભેડિયા, અને તાજેતરમાં રિલીઝ થયેલી થમ્મા સહિતની ફિલ્મ આવી ચુકી છે. આ બધી ફિલ્મની સંયુક્ત ગ્લોબલ કમાણી ૧૫૦૦ કરોડે પહોંચી છે. થમ્માએ હજુ સુધીમાં ૧૮૦ કરોડની કમાણી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.