બદલાતા જતા ઋતુચક્ર સામે હવે ખેડૂતોએ ‘ક્લાયમેટ સ્માર્ટ’ કૃષિ કરવી પડશે
રાસાયણિક ખાતરોના અતિરેકથી કડક બનેલી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું પડશે તો વરસાદી પાણી જમીન અંદર ઉતરશે
ક્લાયમેન્ટ રેઝિલયન્સ એવી બાયોટિક, એબાયોટિક જાતોની વાવણીથી વધુ ઠંડી કે ગરમીમાં પણ પાક ઉપજાવી શકાય છે
ક્લાયમેટ ચેન્જની અસર સામે ખેડૂતોએ સંકલિત પાક પદ્ધતિ અપનાવી આંતર, મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે
વડોદરા સહિત સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત્ત ઓક્ટોબર માસમાં પડેલા માવઠાને કારણે કૃષિ ક્ષેત્રને નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિને પારખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. ૧૦ હજાર કરોડ જેટલી માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં હવામાનની સ્થિતિ તપાસીએ તો માલૂમ પડશે કે આ વર્ષો દરમિયાન કમૌસમી વરસાદ, અતિવૃષ્ટિ, અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે બદલાતી જતી મૌસમની ચાલને સમજીને ખેડૂતોએ પણ પાક પદ્ધતિમાં બદલાવ કરવાનો સમય હવે પાકી ગયો છે.
આ બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડો. ભરત મહેતા પાસેથી જળવાયુ પરિવર્તનથી હવામાનમાં આવેલા બદલવાની કૃષિ પર પડતી અસર અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો એમણે કેટલીક બાબતો કહી તે ખરેખર આંખ ખોલનારી છે. ડો. મહેતા કહે છે, ખેતરમાં ઓવર ફર્ટિલાઇઝેશન અને ઓવર ઇરિગેશનના કારણે જમીનને નુકસાન થયું છે.
તેઓ ઉમેરે છે, રાસાયણિક ખાતરોના વિવેકહિન ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં સર્વત્ર સામાન્યતઃ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ ટકા જેટલું થયું છે. હજુ પણ જો આપણે નહી સમજીએ તો રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની જશે. આ માટે તબક્કાવાર પ્રાકૃતિક કૃષિ કરીને જમીનની સ્થિતિ સુધારવી પડશે.
જમીનને કેવી રીતે નુકસાન થયું છે ? એ સમજીએ. જમીન કડક બની રહી છે. પહેલા માત્ર ૩૦ ડિગ્રી ખુણે કોશ રાખીને હળ ચલાવવામાં આવતા તો પણ જમીન આસાનીથી ખેડાઇ જતી હતી. તેના બદલે આવે આજે ટ્રેક્ટરથી પણ ખેડવામાં મુશ્કેલ પડે છે. જમીન કડક હોવાથી જમીનમાં પાણી ઉતરતું નથી. તેના કારણે ખેતરમાં લાંબો સમય પાણી ભરાઇ રહે છે અને પાકને નુકસાન થાય છે.
કૃષિને નુકસાન કરતા હવામાનના બદલાવ અંગે ડો મહેતા જણાવે છે કે, શિયાળાના દિવસો ટૂંકા થઇ રહ્યા છે અને શિયાળામાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળા દરમિયાન હિટવેવ વધી રહ્યા છે. ઉનાળો ઉપરાંત ચોમાસા બાદ પણ વાવાઝોડા આવે છે. ચોમાસા દરમિયાન એક જ માસમાં આખી મૌસમનો વરસાદ વરસી જાય છે અને એ માસ પણ સતત બદલાતો રહે છે. એથી ચોમાસામાં બિનવરસાદી દિવસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન માવઠા પડી રહ્યા છે. આ બધી બાબતો જળવાયુ પરિવર્તનની અસરો સૂચવે છે.
આ બાબતોની મોટી અસર પરંપરાગત કૃષિ ઉપર થાય છે. જળવાયુ પરિવર્તનને સામે ખેડૂતોએ શું કરવું જોઇએ ? એ માટે નિવારાત્મક પગલા સૂચવતા તેઓ કહે છે, ખેડૂતોને સર્વ પ્રથમ તેમની જમીનની સ્થિતિ સુધારવી પડશે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે એવા પ્રયત્નો કરવા પડશે.
ખેડૂતોએ ક્લાયમેટ સ્માર્ટ એગ્રિકલ્ચર અપનાવી પડશે. જેમકે, બાયોટિક અને એબાયોટિક એવી જાતોની વાવણી કરવી જોઇએ જે વધુ ગરમી અને કે વધુ ઠંડીમાં સારી કરી પાકી શકે છે. આ દિશામાં સંશોધનો ચાલી રહ્યા છે અને કેટલીક જાતો બજારમાં આવી ગઇ છે.
ખેડૂતોએ સંકલિત કૃષિ પદ્ધતિનો અમલ કરવો પડશે. જેમાં મિશ્ર પાક, આંતરપાક, એક જ પ્રકારના પાક વાવવાના બદલે વર્ષે દહાડે પાક બદલતા રહેવા પડશે. આંતર પાક કે મિશ્ર પાકના વાવેતરથી આવા સંજોગોમાં નુકસાનીનું પ્રમાણ ઘટાડી શકાય છે. બાગાયતી ખેતીમાં આંતર પાક સરળતાથી થઇ શકે છે. ખેત પેદાશોનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે. પશુપાલનને પ્રોત્સાહન આપવું પડશે.
આમ, ક્લાયમેટ ચેન્જને પણ કૃષિ માટે પડકાર સમજી તેનો સામનો કરવો પડશે. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા યોજાતી તાલીમોમાં ભાગ લઇ કે તેનું સાહિત્ય વાંચી ખેડૂતોએ સજ્જ થવું પડશે.
