Western Times News

Gujarati News

નવા સચિવાલય કેમ્પસમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે ૧.૨૦ લાખથી વધુ પાણી બોટલનું વેચાણ

Ø  પ્રતિ બોટલ રૂ. ૭ના દરે ચાર મહિનામાં રૂ. ૧૧ લાખથી વધુની કિંમતની બોટલનું વેચાણ 

Ø  પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક બોટલને સ્થાને કાચની બોટલનો ઉપયોગ

હર ઘર સ્વદેશીઘર ઘર સ્વદેશી’મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

નવા સચિવાલય કેમ્પસમાં ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા સંચાલિત આ ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીમાં એટલે કેછેલ્લા ચાર મહિનામાં કુલ ૧.૨૦ લાખથી વધુ ‘સખી નીર’ પાણીની કાચની બોટલનું વેચાણ કરીને વડાપ્રધાનશ્રીના સ્વદેશી-પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વધુ બળ આપ્યું છે.

આ દરમિયાન સચિવાલય તેમજ કર્મયોગી ભવનમાં કાર્યરત વિવિધ વિભાગોએ મહિલા મંડળ પાસેથી મહિલા સશક્તીકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ. ૧૧.૨૦ લાખની કિંમતની ‘સખી નીર’ પાણીની બોટલ ખરીદી છે. આ પ્લાન્ટમાં ગાંધીનગર જિલ્લાની સખી મંડળની છ બહેનોને રોજગારી આપવામાં આવી રહી છે.   

સચિવાલય અને વિધાનસભા કેમ્પસ ઉપરાંત કર્મયોગી ભવનમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પ્રતિ બોટલ રૂ. ૭ના દરે ૩૦૦ એમ.એલ “સખી નીર”ના બ્રાન્ડ નેમથી નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવે છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય-કર્મયોગી કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને પરિણામે પ્લાસ્ટિક વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને ટીમે વિકસાવેલી છે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ અને સૃષ્ટિ લાઈફસાયન્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક શ્રી પ્રતિક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે.

આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ‘અંબિકા નીર’ બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે. એટલું જ નહીંઅન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ સુપ્રસિદ્ધ શ્રી તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલના ભાવનો જ કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.