Western Times News

Gujarati News

અયોધ્યા, કાશી- મથુરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષામાં વધારો

File Photo

દિલ્હી બ્લાસ્ટ બાદ ૧૧ રાજ્યોમાં હાઈ એલર્ટ

(એજન્સી)નવી દિલ્હી, સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ બાદ, ૧૧ રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી-દ્ગઝ્રઇ, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ અને મેટ્રો સ્ટેશનો સહીત દિલ્હી- હાઇ એલર્ટ પર રાખ્યું છે. મહારાષ્ટ્રમાં પણ પોલીસ હાઇ એલર્ટ પર છે. મુંબઈમાં મુખ્ય સ્થળો, નાગપુરમાં ઇજીજી હેડક્વાર્ટર સહીત રાજ્યના મુખ્ય સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના સંવેદનશીલ જિલ્લાઓ, જેમ કે અયોધ્યા, કાશી અને મથુરામાં પોલીસ એલર્ટ પર છે. મંદિરો, બજારો, રેલવે સ્ટેશનો અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમો અને આતંકવાદ વિરોધી ટુકડીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

રાજ્યોના તમામ જિલ્લા સ્તરના યુનિટ કમાન્ડરો અને શહેર કમિશનરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જાહેર સ્થળોએ શંકાસ્પદ વસ્તુઓની ઓળખ કરવા માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે.

દિલ્હી વિસ્ફોટો બાદ, ઉત્તરપ્રદેશ હાઇ એલર્ટ પર છે. વિસ્ફોટમાં અમરોહાના રહેવાસી અશોક સિંહનું મોત થયું હતું. દેવરિયા, આગ્રા અને ગાઝિયાબાદના ત્રણ લોકો પણ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશને પગલે, અયોધ્યા, કાશી અને મથુરા જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

ડીજીપી રાજીવ કૃષ્ણાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તમામ મહત્વપૂર્ણ સ્થળોની તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

ગુરુગ્રામ સહિત હરિયાણાના દ્ગઝ્રઇ જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન સહિત જાહેર સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. જાહેર પરિવહન, ર્પાકિંગ વિસ્તારો, હોટલ અને ધર્મશાળાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. ઝજ્જર, ગુરુગ્રામ અને સોનીપત જિલ્લાઓની સરહદો પર તપાસ કર્યા પછી જ વાહનોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ઉત્તરાખંડના તમામ ૧૩ જિલ્લાઓમાં પોલીસ એલર્ટ પર છે. દેહરાદૂન, હરિદ્વાર, રૂરકી અને ઉધમ સિંહ નગરમાં ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. મંદિરો, બજારો, બસ સ્ટેન્ડ અને તમામ રેલવે સ્ટેશનો જેવા સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ચિત્તા મોબાઇલ યુનિટ, પેટ્રોલ કાર, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સક્રિય છે.

દિલ્હી વિસ્ફોટમાં ઉધમ સિંહ નગરનો હર્ષુલ સેઠી (૨૮) ઘાયલ થયો હતો. પંજાબમાં, પોલીસ કમિશનરો (સીપી) અને એસએસપીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે.

વહીવટીતંત્રે જનતાને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મોલ સહિત ભીડભાડવાળા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાયપુરમાં પણ પોલીસ ચેકિંગ કામગીરી કરી રહી છે. અધિકારીઓ રેલવે સ્ટેશન, એરપોર્ટ, હાઇકોર્ટ, બસ સ્ટેન્ડ અને હોટલ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સંવેદનશીલ સ્થળો પર સતત નજર રાખી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.