અમદાવાદ મ્યુનિ. કોર્પો. ચૂંટણી પહેલા કોર્પોરેટરોની ‘બાકડા’ ગોઠવણ
જો તમામ કોર્પોરેટરો બાકડા માટે રૂ.૩ લાખની રકમ ફાળવે તો કોર્પોરેશનની તીજોરીમાંથી માત્ર બાકડાઓ પાછળ જ રૂ.પ.૭પ કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે.-શહેરમાં આગામી ત્રણ મહિનામાં ૪ર હજાર કરતા વધુ બાકડા ગોઠવાશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા જ કોર્પોરેટરો દ્વારા બાકડાની ગોઠવણ શરૂ થઈ ગઈ છે. એક અંદાજ મુજબ આગામી બે-ત્રણ મહિનામાં જ શહેરમાં ૪ર હજાર કરતા વધુ બાકડા મુકવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કાઉÂન્સલરોને ફાળવવામાં આવતા બજેટમાંથી પ્રજાકિય કામો ઓછા અને નામની તકતી લાગે તેવા કામ વધારે થઈ રહયા છે. ચૂંટણી નજીક હોવાથી કાઉÂન્સલરો ટિકીટ મળે કે ન મળે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષ નામની તકતી લાગી રહે તેવા આયોજન કરી રહયા છે જે પૈકી સૌથી મોટુ આયોજન બાકડા બજાર છે. મ્યુનિ. કોર્પોરેટરો તેમના વાર્ષિક બજેટમાંથી વધુમાં વધુ રૂ.૩ લાખની મર્યાદામાં બાકડા માટે ફાળવી શકે છે જેનો ભરપુર ઉપયોગ હાલ થઈ રહયો છે.
મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ ઝોનમાંથી એક અંદાજ મુજબ ૪ર હજાર કરતા વધુ બાકડા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આરસીસી, ચાઈન મોઝક, અને સ્ટેનલેસ સ્ટીલના બાકડાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ બાકડાઓ પર કોર્પોરેટરના નામની તકતી લગાવવા માટે રૂ.૮૦૦ અલગથી ચુકવવામાં આવશે.
શહેરના તમામ વોર્ડ અને ઝોનમાં મોટાપાયે બાકડાની ગોઠવણ થઈ રહી છે.
પરંતુ સૌથી વધારે વાસણા વોર્ડમાં ૧૩૦૦ જેટલા બાકડા મુકવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ ઝોનના ચાર ડેપ્યુટી સીટી ઈજનેરોના તાબામાં આવેલા વિસ્તારમાં પર૦૦ જેટલા બાકડા ગોઠવાશે. આ ઉપરાંત રાણીપમાં ૧૦૦૦ અને વટવામાં ૬૦૦ કરતા વધારે બાકડા ગોઠવાશે. જો તમામ કોર્પોરેટરો બાકડા માટે રૂ.૩ લાખની રકમ ફાળવે તો કોર્પોરેશનની તીજોરીમાંથી માત્ર બાકડાઓ પાછળ જ રૂ.પ.૭પ કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ત્રણ વર્ષ અગાઉ પણ આવી જ રીતે બાકડા ગોઠવવામાં આવ્યા હતાં પરંતુ તે તકલાદી નીકળતા વીજીલન્સ તપાસ થઈ હતી અને તે બાકડા ફરી ન મુકવા વીજીલન્સ વિભાગ તરફથી આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં પૂર્વ ઝોનના ભાઈપુરા અને ઓઢવ વોર્ડમાં તેવા બાકડા માટે જ ટેન્ડર કરવામાં આવ્યા હતાં.
