દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ થતાં ગ્રેપ-૩નો અમલ શરૂ
નવી દિલ્હી, દિલ્હી અને એનસીઆરમાં સતત બગડી રહેલી હવાની ગુણવત્તાને જોતાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે (સીએક્યુએમ) ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(જીઆરએપી – ગ્રેપ)નું તૃતીય ચરણ લાગુ કરી દીધું છે. આ નિર્ણય પછી હવે બીએસ-૩ પેટ્રોલ અને બીએસ-૪ ડીઝલ વાહનોને સંચાલન પર દિલ્હી અને આસપાસના જિલ્લામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જોકે, આ નિયમ ઈમરજન્સી સર્વિસ અને વિકલાંગ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો પર લાગુ થશે નહીં. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ(એક્યુઆઈ) ૪૦૦થી ઉપર પહોંચી ગયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે.પ્રાથમિક માહિતી મુજબ, જો કોઈ વાહન માલિક નિયમનો ભંગ કરશે તો રૂપિયા ૨૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.
આ સિવાય, બીએસ-૪ ડીઝલ એન્જિનથી ચાલતા મધ્યમ અને ભારે વાહનો એટલે ટ્રકો-ટેમ્પોને પણ દિલ્હીમાં એન્ટ્રી અપાશે નહીં.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(સીપીસીબી)ના આંકડા પ્રમાણે, દિલ્હીનો એક્યુઆઈ સોમવારે ૩૬૨થી વધીને મંગળવારે ૪૨૧ થઈ ગયો.
શહેરના કેટલાક વિસ્તારો – જેવા કે બવાના(૪૬૨), આરકે પુરમ(૪૪૬) અને પટપડગંડ(૪૩૮)માં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે. સીએક્યુએમ અનુસાર, ઓછી હવાની ગતિ અને મોસમની પરિસ્થિતિઓના કારણે પ્રદૂષણ ખૂબ વધ્યું છે.
ગ્રેપ-૩ લાગુ કરવાનો ઉદ્દેશ્ય હવાની ગુણવત્તાને વધુ બગડવાથી રોકવાનો છે. ખાસ કરીને દિવાળી પછીના દિવસોમાં જ્યારે સૌથી વધુ પ્રદૂષણ હોય છે.આ નિયમોથી હવે દિલ્હી-એનસીઆરની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પર સીધી અસર થશે.
ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધથી ચીજવસ્તુઓના પુરવઠામાં અને ડિલીવરી સર્વિસ પર ગંભીર અસર પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ભાર વધશે, જેનાથી લોકો મેટ્રો, ઇબસ કે કેબ સર્વિસ પર નિર્ભર રહેશે, જેનાથી ભીડ વધવાની શક્યતા છે.
ગ્રેપ-૩ અંતર્ગત દિલ્હીમાં બાંધકામ અને ઈમારતો ધ્વસ્ત કરવાના કાર્યાે પર રોક લગાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં શિયાળાના દિવસોમાં પરાળી સળગાવવી, ગાડીઓનો ધુમાડો અને ઠંડીની સ્થિર સ્થિતિને લીધે હવાની ગુણવત્તા ખૂબ બગડે છે.
લોકોને સલાહ આપવામાં આવી છે કે એ નિયમિત એક્યુઆઈ અપડેટ્સ ચેક કરાવે અને પોતાની ગાડીઓનું પીયુસી સર્ટિફિકેટ અપડેટ રાખવું અને શક્ય બને તો સીએનજી કે ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરે. ગ્રેપ-૩ના આ આકરા પગલાં ભલે અસ્થાયી હોય, પરંતુ એ સ્પષ્ટ દર્શાવે છે કે દિલ્હીની હવાની ગુણવત્તા અને લોકોના આરોગ્યની વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે.SS1MS
