Western Times News

Gujarati News

વાસદ પાસેથી પોશ ડોડાના જથ્થા સાથે ઝડપાયેલા ૩ શખ્સોને ૧૩ વર્ષની સખત કેદ

આણંદ, આજથી ચાર વર્ષ અગાઉ વાસદ ટોલનાકા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીકથી પોલીસે એક ટ્રકમાં ઘઉંના કટ્ટાની આડમાં લઈ જવાતા ૨૦૧ કિલો પોસ ડોડાનો જથ્થો ઝડપી ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ આણંદની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ ચાર પૈકી ત્રણ શખ્સોને ૧૩ વર્ષની સજા અને દંડ ફટકાર્યાે છે, જ્યારે તેમનો ચોથો સાગરીત ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર વાસદ પોલીસે ગત તા.૯ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વાસદ ટોલનાકા પાસે આવેલા હનુમાનજી મંદિર નજીકથી ટ્રક નંબર એમ.પી.૧૪ જીસી ૧૯૮૮ને રોકી હતી અને તલાશી લીધી ત્યારે તેની અંદર ઘઉંના કટ્ટાની આડમાં પોશ ડોડાનો ૨૦૧ કિલોનો જથ્થો જેની બજાર કિંમત રૂ. ૬,૦૩,૦૦૦ થતી હતી તે મળી આવ્યો હતો.

ટ્રક ડ્રાઇવરનું નામ રિષભ ઉર્ફે ગોલુ વસંતભાઈ જયસ્વાલ (ઉવ ૩૨ રહે.રતલામ.મધ્યપ્રદેશ) હોવાનું ખુલ્યું હતું. ટ્રકની આગળ ટાટા સફારી ગાડી નંબર જીજે ૧ કે.એન.વી. ૭૦ માં બેસી તેના બે સાગરીત રમેશ વીરસિંહ ભુરા (ઉવ ૨૬ રહે.મહુડા. મધ્યપ્રદેશ) અને યામનઅલી યાકુબઅલી (રતલામ) પાયલોટિંગ કરી રહ્યા હતા.પોલીસે સ્થળ ઉપરથી આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા અને પૂછતાછ કરતા આ જથ્થો બોરસદ તાલુકાના કાલુ ગામે વાડીયાપરા વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઇ સોમાભાઈ પરમારે મંગાવ્યો હતો.

એટલે પોલીસે આ ચારેય વિરૂદ્ધ વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનાની બરાબર તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ આણંદ જિલ્લાના એનડીપીએસ ના સ્પેશિયલ જજ તથા ચોથા એડિશનલ સેશન્સ જજ જે.આર.પંડિતની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જ્યાં જિલ્લા સરકારી વકીલ એન.પી.મહિડા હાજર રહ્યા હતા.

તેમણે ૧૩ સાહેદો તપાસ્યા હતા અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તથા આ કેસમાં તેમણે તર્કબધ્ધ રીતે પોતાની દલીલો રજૂ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે, આ ચારેય શખ્સોનું કૃત્ય સમાજને અસર કરનારું હોઇ એટલે તેમની ઉપર દયા કે કુણું વલણ રાખી શકાય નહીં અને આ બાબતને હળવાશથી પણ લઈ શકાય નહીં.

આ સંજોગોમાં તેમને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જરૂરી છે. જેથી કોર્ટે ચારેયને કસુરવાર ઠેરવ્યા હતા.કોર્ટે રિષભ ઉર્ફે ગોલુ વસંતભાઈ જયસ્વાલને ક્રિમિનલ પ્રોસિજર કોર્ડ ની કલમ ૨૩૫ (૨)અન્વયે કસૂરવાર ઠરાવી ૧૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યાે હતો. જો આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા પણ ફરમાવી હતી.

જ્યારે કોર્ટે રમેશ વીરસંગભાઈ ભૂરાને પણ આજ કલમ હેઠળ ૧૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧ લાખનો દંડ ફરમાવ્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ઉપરાંત ત્રીજા આરોપી યમનઅલી યાકુબઅલી અલીને પણ કોર્ટે કસૂરવાર ઠેરવી ૧૩ વર્ષની સખ્ત કેદ અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યાે હતો.

જો આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓએ કાચા કામના કેદી તરીકે જેટલા દિવસો જેલમાં વિતાવ્યા હોય તેટલા દિવસો સજામાં મજરે આપવા તેવો હુકમ પણ કર્યાે હતો.કોર્ટે આ ઉપરાંત જણાવ્યું હતું કે ચોથા આરોપી ઈશ્વરભાઈ સોમાભાઈ પરમાર ચાલુ ટ્રાયલે ગુજરી ગયા હોવાથી તેમને આ કેસમાં એબેટ કરવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.