ઊંઝામાં મહિલાના ૧૦ લાખના દાગીના ચોરનાર મહેસાણાની બે મહિલા ઝબ્બે
ઊંઝા, ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે દેવ દિવાળીએ દર્શન કરવા આવેલી મહિલાના રૂ. ૧૦ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે ઊંઝા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ચોરીના ઘરેણાં સાથે બે મહિલાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ઊંઝાના પાટણ રોડ પર આવેલી નોબેલ હાઇટ્સમાં રહેતા મીનાબેન દીપકકુમાર પટેલના કુટુંબમાં લગ્નપ્રસંગ હોઈ તેમના પતિ સાથે તેમની સાસુનાં ઘરેણાં જે ઊંઝા માર્કેટયાર્ડના બેન્કના લોકરમાંથી દાગીના લેવા ગયા હતા.
ઘરણાં બેન્કમાંથી લીધા બાદ દેવદિવાળી હોવાથી ઉમિયા માતાજી દર્શન કરવા આવ્યા હતા. લાંબી લાઇનમાં ઊભા હતા ત્યારે ફોન આવતા મોબાઈલ કાઢી વાત કરી રહ્યા હતા.
દરમિયાન ઉતાવળમાં બેગની ચેઇન બંધ કરવાનું ભૂલી જતાં જેનો લાભ લઈ તસ્કરે સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના લઈ ફરાર થઇ ગયો હતો.
આ અંગે ઊંઝા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન નીચે પો.સબ.ઇન્સ. એસ.વી.પઢારીયા તથા પો.સબ.ઇન્સ.વી.બી.ઝાલાની ટીમો બનાવી હતી.
સાથે જ એલ.સી.બી.ની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.ઊંઝા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઊંઝા-કામલી રોડ ખાતે આવતાં બાતમી મળી હતી કે કામલી ગામ તરફથી બે સ્ત્રીઓ કેટલાક ઘરેણાં લાવી ઊંઝામાં વેચાણ કરવા જવાની છે.
જેના આધારે વોચમાં હતા. આ દરમિયાન ઉપરોકત વિગત વાળી બે સ્ત્રીઓ આવતાં તેમનું નામ પુછતાં માયાબેન દિલીપભાઇ અને કાજલબેન અજયભાઇ (બંને રહે. ગાયત્રી મંદિરની પાછળ છાપરામાં,મહેસાણા)હોવાનું જણાવ્યું હતું.
આ બંને મહિલાની મહિલા કોન્સ્ટેબલ મારફતે ઝડતી તપાસ કરતાં સ્ટીલના ડબ્બામાંથી રૂ. ૧૦ લાખની કિંમતના ચોરાયેલા સોનાના દાગીના મળી આવ્યા હતા. આથી પોલીસે બંને મહિલાઓને સોનાના દાગીના સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
