જમાલપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ૩૦ જેટલી દુકાનો તોડી પડાઈ
મુંબઈ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ૧૬ વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પાેરેશને મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પાેરેશનની જગ્યામા કુખ્યાત બિલાલ શેખના બાંધકામ સહિત કુલ ૩૦ દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગે તોડી પાડી હતી. જમાલપુર ત્રિકમજીના મંદિરની જગ્યા પચાવી પાડનાર બિલાલ ગેરકાયદે દબાણ કરી ભાડા વસૂલતો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોર્પાેરેશન તેની કામગીરી હજુ એક-બે દિવસ ચલાવશે તથા ૧૩ હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે.જમાલપુરમાં લાટી બજાર તરીકે જાણીતી જગ્યા મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ભાડાપટ્ટેથી આપવામા આવી હતી. ભાડા પટ્ટેથી આપવામા આવેલી જગ્યાનો કરાર વર્ષ-૨૦૦૯માં પૂરો થઈ ગયો હતો.
આમ છતાં જે તે સમયના મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અન્ય કોઈ અધિકારીઓ દ્વારા જગ્યાનું ફરીથી પઝેશન મેળવવા કોઈ નકકર કાર્યવાહી કરવામા આવી નહોતી.
વર્ષ-૨૦૦૯થી બિલાલ શેખ દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરવાની સાથે ગેરકાયદે ઊભી કરી દેવામા આવેલી દુકાનોના ભાડા વસૂલવામા આવતા હતા. બિલાલ ઉપરાંત હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખ વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા પણ બિલાલ શેખ વિરૂદ્ધ ગુનો નોંધાયેલો છે.
૧૬ વર્ષથી કોર્પાેરેશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી જગ્યા પચાવી પડાઈ હતી. આ પાછળ મ્યુનિસિપલ કોર્પાેરેશનના અધિકારીઓ સાથે ગોઠવણ કરી દુકાનો ઊભી કરી ગેરકાયદે ભાડા પણ વસૂલાતા હતા. તેમ છતાં કોર્પાેરેશનના અત્યાર સુધીના હોદ્દેદારોએ પણ આ સમગ્ર મામલે કામગીરી કરવાનું તો દૂર પણ કંઈ બોલવા અંગે પણ ચૂપકીદી સેવી લીધી હતી.
જમાલપુરમાં કોર્પાેરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કરનારા બિલાલ શેખનો ભાઈ સોએબ શેખ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હનીફ દાઢીના બે પુત્ર પૈકી સોએબ ભાજપ શહેર સંગઠનમાં સક્રિય છે અને ભાજપના અનેક નેતાઓ સાથે તેના ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે પણ જમાલપુરમાં કોર્પાેરેશનની જગ્યા અત્યાર સુધી ખાલી કરાવાતી નહોતી.SS1MS
