Western Times News

Gujarati News

નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટ્સને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટ્સને રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે  ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, બાર કાઉન્સિલના સભ્યો તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે તમામ નવનિયુક્ત નોટરીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભરતીની પ્રક્રિયા હોય કે યોજનાઓના લાભ વિતરણ, દરેક ક્ષેત્રમાં પારદર્શિતા, લેસ હ્યુમન ઇન્ટરફિયરન્સ અને મેક્સિમમ ગવર્નન્સ-મીનીમમ ગવર્મેન્ટના શાસનમંત્રને અપનાવ્યો છે.

ગુજરાતના કાયદા જગત માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે. રાજ્યના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના 1500થી વધુ એડવોકેટ્સને નોટરી તરીકેની નિમણૂંકના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે,  આ પ્રથમવાર છે જ્યારે ગુજરાતમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં એડવોકેટ્સને નોટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય. કાયદાકીય પ્રક્રિયાઓમાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરવામાં નોટરીની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. નોટરી તરીકે પ્રમાણપત્ર મેળવનાર સૌને ભાવિ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભકામના. આપ સૌ દેશની અને કાયદાની સેવામાં અવિરત કાર્યરત રહેશો તેવો મને વિશ્વાસ છે.

તેમણે રાજ્ય અને રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાના શાસનને એક મહત્વપૂર્ણ સ્તંભ ગણાવી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થકી દેશમાં આવેલ પરિવર્તનની રૂપરેખા આપી હતી તેમજ સૌ નવનિયુક્ત નોટરીઓ કાયદાના શાસનને વધુ મજબૂત બનાવી “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.