કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ કેમ રદ થયો?
LS TV Grab
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો એક દિવસનો ગુજરાત પ્રવાસ રદ કરી દીધો છે. તેઓ આવતીકાલે, ૧૩ નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવીને અમદાવાદ અને મહેસાણા ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા,
પરંતુ દિલ્હીમાં ૧૦મી નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટની ચાલી રહેલી તપાસ અને સંભવિત આતંકવાદી કનેક્શનને કારણે તેમણે આ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, મહેસાણાના બોરીયાવી ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ શકે છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં આતંકવાદી કનેક્શનની આશંકાને પગલે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રવાસ દરમિયાન સ્પષ્ટતા કરી છે કે આ બ્લાસ્ટના આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જોકે, આ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે, ગૃહમંત્રી અમિત શાહે પોતાનો એક દિવસીય ગુજરાત પ્રવાસ રદ કરવો પડ્યો છે.
અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં આવતા અમદાવાદ અને મહેસાણાના બે મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. જેમાં ગૃહમંત્રી તેમના સંસદીય ક્ષેત્રના મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવેલી મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં દૂધસાગર ડેરી દ્વારા સ્થાપિત ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પણ ઉપસ્થિત રહેવાના હતા.
આ કાર્યક્રમમાં પણ હવે તેમની હાજરી રદ કરવામાં આવી છે. અમિત શાહ ૧૩ નવેમ્બરના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા નું ઉદ્ઘાટન કરવાના હતા. હવે તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.
