Western Times News

Gujarati News

એવું તે શું થયું કે અચાનક માતાએ બે માસૂમ પુત્રીઓ સાથે આપઘાત કર્યો

પ્રતિકાત્મક

આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત

(એજન્સી)ભૂજ, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે બુધવારે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. ૨૮) સવારે ૬ વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ૫ વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી.

પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડ્‌યાં હતાં. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની ૩ માસની દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન ૩ માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા.

આ ઘટના સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્‌ટમાં નોકરીએ હોવાથી ઘરે હાજર ન હતા. મૃતક રૈયાબેનને સંતાનમાં ત્રણ દીકરી હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્‌યા છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.