Western Times News

Gujarati News

“મમ્મી હું જાઉં છું, હું બોર થઇ ગઇ છું” ચીઠ્ઠી લખી ધોરણ 6માં ભણતી સગીરાએ આપઘાત કર્યો

પ્રતિકાત્મક

આ પરિવાર તાજેતરમાં જ રાજસ્થાન ફરવા ગયો હતો અને આગલા દિવસે જ પરત ફર્યો હતો.-સગીરાએ ઘરમાં એકલતાનો લાભ લઇ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. 

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના સેક્ટર ૭ વિસ્તારમાં એક ૧૨ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતા-પિતા નોકરી પર ગયા હતા અને ભાઈ ટ્યુશન ગયો હતો ત્યારે સગીરાએ ઘરમાં એકલતાનો લાભ લઇ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

મળતી માહિતી મુજબ સગીરાના પિતા જગદીશ ગોહિલ આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની ખાનગી નોકરી કરે છે. મંગળવારે માતા-પિતા નોકરી પર ગયા હતા અને ૧૬ વર્ષનો મોટો પુત્ર ટ્યુશન ગયો હતો, તે સમયે ૧૨ વર્ષની દીકરી ઘરમાં એકલી હતી.

સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ સગીરાની માતા નોકરી પરથી પરત ફર્યા હતા. તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેમણે તેમના પતિ જગદીશભાઈને જાણ કરી હતી. જગદીશભાઈએ ઘરે આવી ભારે મહેનત બાદ દરવાજો ખોલ્યો ત્યારે દીકરીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

તેઓ તાત્કાલિક સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ પરિવારને સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર અને ૧૨ વર્ષની આ દિકરી હતી. મૃતક સગીરા ગાંધીનગર સેક્ટર ૭માં વીર ભગતસિંહ નગરમાં રહેતી હતી અને ગુરુકુળમાં ધોરણ ૬માં અભ્યાસ કરતી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન સગીરાએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મમ્મી હું જાઉં છું, હું બોર થઇ ગઇ છું, મમ્મી, પપ્પા, દાદી અને ભાઇ બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો.’

પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ પરિવાર તાજેતરમાં જ રાજસ્થાન ફરવા ગયો હતો અને આગલા દિવસે જ પરત ફર્યો હતો. હાલ સેક્ટર ૭ પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.