દિલ્હી બ્લાસ્ટના આતંકી ઉમરની બીજી કાર લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ મળી
દિલ્હી બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓને મોટી સફળતા,
(એજન્સી)ફરીદાબાદ, દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં મોટી સફળતા મળી છે. ફરીદાબાદ પોલીસને લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર આગ્રા જિલ્લાના ખંદાવલી ગામ નજીકથી મળી આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, આ એજ કાર છે, જેના નામ પર દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કર્યું હતું.
કારને હાલ રાઉન્ડ અપ કરી લેવાઈ છે અને તેને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને તેની માહિતી આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની i20 કાર ઉપરાંત શંકાસ્પદો સાથે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી. જ્યારબાદ પોલીસે એક લાલ રંગની ફોર્ડની ની શોધખોળ શરૂ કરી હતી. આ કારનું રજિસ્ટ્રેશન નંબર ૦૪૫૮ છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે.
આ કાર ૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ દિલ્હીના રાજૌરી ગાર્ડન ઇ્ર્ંથી રજિસ્ટર્ડ થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે આ કાર ઉમર ઉન નબી ઉર્ફ ઉમર મોહમ્મદના નામે ખરીદાઈ હતી. ઉમર એ જ વ્યક્તિ છે, જે દિલ્હી બ્લાસ્ટ મામલે મુખ્ય શંકાસ્પદમાં સામેલ છે. પોલીસના અનુસાર, ઉમર મોહમ્મદે આ કારની ખરીદી સમયે બનાવટી સરનામાનો ઉપયોગ કર્યો હતો.
તેમણે ડોક્યુમેન્ટ્સમાં નોર્થ ઈસ્ટ દિલ્હીના એક ઘરનું સરનામું આપ્યું હતું. દિલ્હી પોલીસે મોડી રાત્રે એ જ એડ્રેસ પર દરોડા પાડ્યા હતા, પરંતુ ત્યાંથી કોઈ વ્યક્તિ ન મળ્યો. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કારને ખંદાવલી ગામમાં કોણે અને ક્યારે છોડી. દિલ્હી પોલીસની પાંચ ટીમોએ શંકાસ્પદ લાલ કારની શોધખોળ શરૂ કરી હતી.
દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ પોસ્ટ અને બોર્ડર ચેકપોઈન્ટ્સ પર આ લાલ રંગની કારને શોધવા માટે એલર્ટ અપાયું હતું. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ અને હરિયાણા પોલીસને પણ લાલ કાર અંગે એલર્ટ મોકલાયું હતું. બીજી તરફ આ કેસમાં અલ ફલાહ યુનિવર્સિટીનો ઉલ્લેખ થયો છે, ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ભૂપિન્દર કૌર આનંદે દુઃખ વ્યક્ત કરતા સ્પષ્ટતા કરી છે કે, વિસ્ફોટના કેસમાં પકડાયેલા બે ડોક્ટરો અને અન્ય મુખ્ય શંકાસ્પદો સાથે યુનિવર્સિટીનો કોઈ સંબંધ નથી.
