યુએસમાં નોકરી સાથે ગ્રીનકાર્ડની લાલચ આપી ભારતીયને વેઠિયો બનાવી દીધો
ન્યૂજર્સી, યુએસના એચ-૧બી વિઝા મેળવીને હંમેશા માટે સ્થાયી થવાનું સપનું જોનારા લાખો ભારતીય યુવાનોની આંખ ખોલતો અનુભવ એક ટેકી યુવાનને થયો છે. ભારતીય મૂળના કંપનીએ તેના એચ-૧બી વિઝા રદ કરાવી દેવાની ધમકી આપીને વેઠિયો બનાવી દીધો હોવાની અને પગાર સુદ્ધાં ન ચૂકવ્યો હોવાના મામલે યુવાને યુએસની કોર્ટમાં કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય યુવાનો માટે એચ-૧બી વિઝા સ્ક્વિડ ગેમ જેવા બની ગયા હોવાનું આ કેસ પરથી જણાય છે.અમૃતેશ વલ્લભનૈની નામના યુવાને કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ, કંપનીએ તેને ગ્રીનકાર્ડ સ્પોન્સર કરવાની ખાતરી આપી હતી. કંપનીએ મૂકેલી શરતોનો સ્વીકાર ન કરે તો એચ-૧બી વિઝા રદ કરાવી ડીપોર્ટ કરવાની ધમકી આપી વેઠિયો બનાવી દીધો હતો.
અમૃતેશને કેસ કરવા માટે મદદ કરનારા કન્સલ્ટન્ટ જય પાલ્મેરના જણાવ્યા મુજબ, ભારતીય કામદારો માટે આ સ્ક્વિડ ગેમ જેવું છે, જ્યાં એક માત્ર ઉદ્દેશ અમેરિકામાં રોકાઈ રહેવાનો હોય છે. તેના કારણે યુવાનોનું ખૂબ શોષણ થાય છે અને યુવાનો કંઈ કરી શકતા નથી.
ભારતીય મૂળના સીઈઓ પોતાની ઓફિસમાં પણ જાતિ આધારિત ભેદભાવનો માહોલ સાથે લઈને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાલ્મેર લેબર ટ્રાફિકિંગના એક્સપર્ટ છે અને ઘણાં અપરાધ-કૌભાંડને ઉઘાડા પાડી ચૂક્યા છે.
અમૃતેશને યુએસની સિરીસોફ્ટ કંપનીએ એચ-૧બી વિઝા સાથે નોકરીની ઓફર કરી હતી. કંપનીએ તેને નોકરી પર લીધા પછી તરત જ અન્ય કંપનીઓમાં કોન્ટ્રાક્ટથી તૈનાત કરી દીધો હતો. બાદમાં આ યુવાન પાસે બળજબરીથી કામ કરાવાતું હતું અને છ મહિનાનો પગાર પણ અપાયો ન હતો. સરકારના નિયત ધોરણો કરતાં અત્યંત ઓછો પગાર આપી તેની પાસે કામ કરાવવામાં આવતું હતું.
અમૃતેશ ના પાડે તો તેને ડીપોર્ટ કરાવવાની ધમકી અપાતી હતી. મહિનાઓની યાતના પછી આખરે તેણે યુએસની કોર્ટમાં કંપની તથા તેના સીઈઓ સામે કેસ કર્યાે છે.SS1MS
