પાંચ સાળાઓએ મિત્રો સાથે મળી બનેવીના પગ કાપી નાખતાં મોત
અમરેલી, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાંચ સાળાઓએ તેમના ત્રણ મિત્રો સાથે મળીને ૬૦ વર્ષીય વૃદ્ધ બનેવી પર જીવલેણ હુમલો કર્યાે હતો, જેમાં કુહાડીના ઘા મારીને તેમના પગ કાપી નાખવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે.
ગોંડલના રહેવાસી ૬૦ વર્ષીય દિનેશભાઈ સોલંકીને તેમના પત્ની અને બાળકો સાથે માથાકૂટ થતાં તેઓ છેલ્લા એકાદ મહિનાથી ઘર છોડીને રહેતા હતા. ગઇકાલે, દિનેશભાઈ અરજણસુખ ગામમાં રહેતા તેમના સગા ભરતભાઈને ત્યાં આવ્યા હતા અને પત્ની સાથે સમાધાનની ચર્ચા કરવા માટે તેમના પાંચ સાળાઓને બોલાવવામાં આવ્યા હતા.
ભરતભાઈના ઘરે સમાધાન માટે વાતચીત ચાલી રહી હતી ત્યારે ગત મોડી સાંજે મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન દિનેશભાઈના પાંચ સાળા અને તેમની સાથે આવેલા અન્ય ત્રણ-ચાર લોકોએ ઉશ્કેરાઈને દિનેશભાઈ પર જીવલેણ હુમલો કર્યાે હતો અને કુહાડી વડે તેમના પગ કાપી નાખ્યા હતા.
ગંભીર હાલતમાં દિનેશભાઈને સારવાર માટે અમરેલી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ અમરેલી ડિવિઝન ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, વડિયાના અરજણસુખ ગામમાં રહેણાંક મકાનમાં દિનેશભાઈ પર હુમલો થયો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પોલીસે આ હુમલાખોરોને પકડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં કાનજી જેરામભાઈ સાવલિયા, હકુ જેરામભાઈ સાવલિયા, નાનો જેરામભાઈ સાવલિયા, બાઘા જેરામભાઈ સાવલિયા, જાદવ જેરામભાઈ સાવલિયા તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ ચાલી રહી છે.SS1MS
